લાલપુરના મેઘપર નજીક છ માસ પહેલાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા પરપ્રાંતિય યુવાનનું પગમાં ઇન્ફેક્શન લાગી જતાં બેક્ટેરિયા ફેલાઈ જવાથી અપમૃત્યુ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં આજથી છ માસ પહેલાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને એક યુવાન અજાણ્યા વાહનની ઠોકરે ઇજાગ્રસ્ત બન્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેને ઇન્ફેક્શન થઈ ગયું હતું, અને શરીરમાં બેક્ટેરિયા ફેલાઈ જવાના કારણે ફેફસા બંધ થઈ જતાં મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યનો વતની અને હાલ મેઘપર માં રહીને મજૂરી કામ કરતો મહેશ શાંતિભાઈ શાહ નામનો 45 વર્ષનો યુવાન આજથી છ માસ પહેલા તારીખ 20.6.2024ના રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં જમવાનું લેવા ગયો હતો, અને રસ્તો ઓળંગી રહ્યો હતો. જે દરમિયાન કોઈ અજાણ્યા ફોરવહીલ ના ચાલાકે તેને હડફેટમાં લઈ લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તેની લાંબો સમય સારવાર ચાલી હતી તે દરમિયાન તેને પગમાં ઇન્ફેક્શન થઈ જતાં શરીરમાં બેક્ટેરિયા ફેલાઈ ગયા હતા. ત્યારબાદ તેની કિડની ફેઇલ થઈ જતા મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું છે. મૃતકના વિશેરા લેવામાં આવ્યા હતા. જેનો પૃથ્થકરણમાં રિપોર્ટ આવ્યા બાદ ઇન્ફેક્શનના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
આ બનાવ અંગે મૃતકની પત્ની સીતાદેવી મહેશભાઈ શાહ એ મેઘપર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.