જામનગરની મહિલા ક્રિકેટ ખેલાડી ભક્તિ શાસ્ત્રીની અમેરીકાની વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી
Jamnagar : મુળ જામનગરની વતની અને હાલ અભ્યાસ માટે અમેરીકામાં રહેતી ભકિત શાસ્ત્રીની અમેરિકાની વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. 29 વર્ષીય ભક્તિની નાનપણથી આંતરારાષ્ટ્રીય ક્રિકેટ રમવાની મહત્વાકાંક્ષા હતી. જે અભ્યાસના કારણે થોડા સમય ક્રિકેટથી દુર રહેવાના કારણે વર્ષો બાદ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની ઈચ્છા પુર્ણ થશે. આવો જાણીએ ભક્તિની જામનગરથી અમેરિકાની ક્રિકેટ ટીમની ખેલાડી બનાવ સુધીની સફર વિશે.
ભક્તિની અમેરિકાની વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી
યુએસએ ક્રિકેટે આર્જેન્ટિનામાં યોજાનારી આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ અમેરિકા ક્વોલિફાયર માટે ટીમની જાહેરાત કરી છે. યુએસએ ક્રિકેટ 7 થી 18 માર્ચ દરમિયાન આર્જેન્ટિનામાં યોજાનારી આગામી આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ અમેરિકા ક્વોલિફાયર માટે ટીમની જાહેર થઈ છે. આ ટુર્નામેન્ટમાં યુએસએ, કેનેડા, બ્રાઝિલ અને યજમાન આર્જેન્ટિના 2026 ની શરૂઆતમાં આઈસીસી ટી-20 વર્લ્ડ કપ ગ્લોબલ ક્વોલિફાયર માટે ક્વોલિફાય કરવા માટે સ્પર્ધા કરશે. જેમાં મુળ જામનગરની વતની ભક્તિ શાસ્ત્રી 2024 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપના સફળ પ્રદર્શન પછી પ્રથમ રાષ્ટ્રીય ટીમ કોલ-અપ મેળવશે.
ક્રિકેટ, જુડો-કરાટે, ટ્રેકિંગનો શોખ
ભક્તિ શાસ્ત્રી ધોરણ 12 સુધીનો અભ્યાસ જામનગરની પાર્વતી દેવી સ્કૂલમાં કર્યો હતો. ભક્તિના માતા પ્રીતિબેન અને પિતા ઓમ શાસ્ત્રી બંને શિક્ષક છે. તેમની ઈચ્છા હતી કે ભક્તિ પણ તેની મોટી બહેન શિવાનીની જેમ ઉચ્ચ અભ્યાસ કરીને સારૂ કેરીયર બનાવે. ભકિતએ માતા-પિતાની ઈચ્છાને સન્માન કરીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કર્યુ. પરંતુ તેને શાળામાં નાનપણથી જુડો-કરાટે તેવી તાલિમ મળી હતી. રમત-ગમતમાં તેને વધુ રસ હોવાથી ધોરણ-10 બાદ જામનગરમાં મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે ક્રિકેટની તાલીમ મેળવી હતી. અને વેસ્ટ ઝોન સુધી ક્રિકેટમાં પોતાનુ સ્થાન બનાવ્યું હતુ. બાદમાં પરિવારે વધુ અભ્યાસ માટે વિદેશ મોકલતા ક્રિકેટથી વર્ષો સુધી દુર રહેવું પડયું હતુ. સ્નાતક થયા બાદ ભકિત અમેરીકામાં સાયબર સિકયોરીટી વિષય પર પીએચડીનો અભ્યાસ કરે છે. જેની સાથે સાથે તક મળતા અમેરીકાની ટીમમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.
ઓલરાઉન્ડર મહિલા ક્રિકેટર તરીકે ઓળખ મેળવી
ભક્તિ શાસ્ત્રીએ બોર્ડમાં ટોપ કર્યુ હતું. તેને ગીત ગાવાનો પણ શોખ છે, જુડોમાં બ્રાઉન બેલ્ટ મેળવ્યો હતો. ટ્રકિંગ જેવી સાહસિક પ્રવૃતિમાં તે રસ ધરાવે છે, અને ક્રિકેટ પ્રત્યેનો અનહદ લગાવ, તાલીમના કારણે ઓલરાઉન્ડર મહિલા ક્રિકેટર તરીકે ઓળખ મેળવી છે.