જામનગરના યુવાન સાથે લગ્નના નામે છેતરપિંડી : 6 શખ્સોએ સગીરાને પુખ્ત વયની બતાવી બે લાખમાં કરાવી દીધા લગ્ન
image : Social media
Jamnagar : જામનગર જિલ્લાના લાલપુરમાં એક યુવાનને સગીરા સાથે લગ્ન કરવા ભારે પડ્યા છે, અને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરાંત યુવક સાથે છેતરપિંડી કરીને લગ્ન કરાવનાર 6 શખ્સો સામે લાલપુર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે, અને તપાસનો દોર ઇન્દોર સુધી લંબાવાયો છે.
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા ડાયાભાઈ જેસાભાઈ મકવાણા (63) અને તેનો પુત્ર પ્રકાશ કે જે બન્ને ખેતમજુરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
જેમાં પિતા દ્વારા ગત 7/11/2024ના દિવસે પ્રકાશના મૈત્રી કરારના આધારે ઈન્દોરની એક સગીરા સાથે લગ્ન કરાવ્યા હતા, અને બાજુની વાડીમાં જ મજૂરી કામ કરતાં છ જેટલા શ્રર્મિક પરિવાર દ્વારા આ લગ્ન કરાવી આપ્યા હતા, અને બે લાખ રૂપિયામાં સોદો કરીને ઇન્દોરની એક સગીરને પુખ્ત વયની દર્શાવી 7/11/2024 ના રોજ કરાર આધારિત લગ્ન રજીસ્ટર કરાવી લીધા હતા.
ત્યારબાદ સગીતા એક રાત રોકાઈ હતી, અને બીજા દિવસે પોતાના વતનમાં ઈંદોર ભાગી છુટી હતી. જ્યાં જઈને તેણીએ પ્રકાશ સામે પોકસો અને બળાત્કાર સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જેથી ઈન્દોરની પોલીસ ટુકડી જામનગર આવી હતી, અને પ્રકાશની અટકાયત કરી લઈ તેને ઇન્દોરની જેલમાં મોકલી દીધો છે.
ઇન્દોર પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં સગીરા સાથે લગ્નમાં મદદગારી કરવા અંગે મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર પંથકમાં રહીને ખેત મજૂરી કામ કરતા આયેશા ઉર્ફે કોમલ આદિલ પઠાણ, મોહમ્મદ આદિલ ઉર્ફે ગોલુ સલીમ પઠાણ, જીવન વામન મસાણી, વિમલા પવન ડોડીયા, રવિ મદનભાઈ, તેમજ ધર્મેન્દ્ર પ્રેમસિંહ ડાભોરની પણ સંડોવણી હોવાનું લખાવ્યું હતું, જેથી ઇન્દોર પોલીસ દ્વારા તે છ આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી હતી. જેમાં બીમલા નામની મહિલા હાલ જેલવાસ ભોગવી રહી છે, જ્યારે બાકીના આરોપીઓ જામીન મુક્ત થયા છે.
દરમિયાન પ્રકાશના પિતા ડાયાભાઈ કે જે પોતાના પુત્રને છોડાવવા માટે જામનગરથી ઇન્દોરના અનેક ધક્કા ખાઈ રહ્યા હતા, લગ્ન સમયના કાગળો વગેરે લઈને તાજેતરમાં તેણે લાલપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના પુત્ર સાથે ઉપરોક્ત 6 આરોપીઓએ છેતરપિંડી કરીને બે લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું જણાવ્યું હતું. સગીરાના ખોટા પુખ્ત વયના દસ્તાવેજ બનાવી લઈ લગ્ન કરાવી દઇ છેતરપિંડી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
જે સમગ્ર મામલામાં લાલપુર પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી, અને પિતા પુત્ર સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી પિતા ડાયાભાઈ મકવાણાની ફરિયાદના આધારે પોલીસે મધ્યપ્રદેશના છ આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેનો ગુનો નોંધી તપાસનો દોર ઇન્દોર સુધી લંબાવ્યો છે.