Get The App

જામનગરને મળશે આલીશાન ઓક્સિજન પાર્ક : 10,000 વૃક્ષોના 'વન કવચ' ને ખુલ્લું મુકવા તંત્રની તૈયારી

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
જામનગરને મળશે આલીશાન ઓક્સિજન પાર્ક : 10,000 વૃક્ષોના 'વન કવચ' ને ખુલ્લું મુકવા તંત્રની તૈયારી 1 - image


Jamnagar Oxygen Park : જામનગર મહાનગરપાલિકા દ્વારા અપાયેલી 1 હેક્ટર જગ્યામાં એક-દોઢ વર્ષમાં જ વન વિભાગે 10,000 વૃક્ષો વાવીને સર્જી આપેલું 'વન કવચ' હવે માણેકનગર રોડ, લાલવાડી વિસ્તાર, એડ્રસપીરની દરગાહ નજીક આવેલી સોસાયટીઓ તેમજ નૂરી ચોકડી નજીક આવેલી સોસાયટીઓના રહીશો માટે વોકીંગ પાર્ક તરીકે ખુલ્લું મુકવા માટે તૈયાર થઇ ચુક્યું છે. આ સ્થળે બાળકોના મનોરંજનના સાધનો પણ ગોઠવાયા છે.

 ગત વર્ષ 2023-24માં જામનગર-દ્વારકા જીલ્લા વન તંત્રના સામાજિક વનીકરણ વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા સુભાષ બ્રિઝ નજીકથી અન્નપુર્ણા ચોકડી વચ્ચેના માર્ગ પર એડ્રસપીરની દરગાહ નજીકના વિસ્તારમાં 1 હેક્ટરનો ટી.પી.સ્કીમ નં.01 ના અંતિમ ખંડનો વિશાળ પ્લોટ વન કવચ તરીકે ડેવલપ કરવામાંટે આપ્યો હતો. વન વિભાગના કર્મચારીઓઓ અને ખાસ કરીને ફોરેસ્ટર વિભાગની જહેમતથી દોઢ વર્ષ જેવા સમયગાળામાં આ પ્લોટમાં 38 પ્રકારના 10,000 જેટલા વૃક્ષોને ઉછેરવામાં આવ્યા છે. 

'વન કવચ' માં વન તંત્ર દ્વારા બાળકો માટે લપસીયા, મેરીગો રાઉન્ડ રાઇડ, હિંચકા તથા ઉંચક-નીચક રાઇડ જેવા સાધનો ગોઠવ્યા છે. તેમજ વન કવચ ફરતે 1 કીલોમીટર જેટલો વોકીંગ પાથ પણ રચવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક વિસ્તારના નાગરિકો ફીટનેસ માટે આવી શકશે. લોકોના વિસામા માટે અહીં વન વિભાગની ઓળખ સમાન એક હટ પણ બનાવવામાં આવી છે. આમ સરકારી તંત્રોના સંકલનથી જામનગર શહેરના એક વિસ્તારમાં 10,000 વૃક્ષો સફળતા પૂર્વક ઉગી શક્યા છે. જે ઓક્સિજન પાર્કની સુવિધા બન્યા છે. વન વિભાગે સ્થાનિક પક્ષીઓને ધ્યાનમાં રાખીને દાડમ, જામફળ, સેતુર, કરમદા, સીંદુરી ઉપરાંત લીંબુ, પારિજાત, નગોળ, અરડુસી, લીમડા સહિતના 38 પ્રકારના વૃક્ષો વાવ્યા છે. આ 'વન કવચ' જામનગર શહેરમાંથી લુપ્ત થયેલી ચકલી જેવા પક્ષીઓના વસવાટનો આશરો પણ બની રહેશે.


Google NewsGoogle News