Get The App

વીજ ચોરી કરતા તત્વો સામે જામનગરની સેશન્સ અદાલતનો લાલબત્તી સમાન ચુકાદો : ત્રણ વર્ષની જેલની સજા અને ત્રણ ગણો દંડ

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
વીજ ચોરી કરતા તત્વો સામે જામનગરની સેશન્સ અદાલતનો લાલબત્તી સમાન ચુકાદો  : ત્રણ વર્ષની જેલની સજા અને ત્રણ ગણો દંડ 1 - image


Jamnagar Court : જામનગરની સેશન્સ અદાલતે વીજ ચોરી અંગેના મામલામાં એક મહત્વપૂર્ણ અને લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં 2019 ની સાલમાં પીજીવીસીએલ જામનગરની વીજ પોલીસ ટુકડીએ દરોડો પાડી રૂપિયા 57 લાખની વીજ ચોરી પકડી પાડી હતી, જે અંગેનો કેસ જામનગરની સેસન્સ અદાલતમાં ચાલી જતાં અદાલતે ઓઇલ મીલના સંચાલકને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની જેલ સજાનો હુકમ કર્યો છે, અને તાત્કાલિક જેલમાં મોકલી આપ્યા છે. જયારે 57 લાખની રકમનો ત્રણ ગણો એટલે કે 1 કરોડ 71 લાખનો દંડ ભરવાનો પણ અદાલતે આદેશ કર્યો છે.

 આ અતિ ચકચારજનક કેસની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં ઓઇલ મીલ ધરાવતા રાકેશભાઈ માલદેભાઈ કરમુર કે જેઓ ગત 2019 ની સાલમાં રબારીકા ગામમાં આવેલી પોતાની ઓઇલ મીલમાં પાવર ચોરી કરતા હોવાનું જામનગરના વિજતંત્રને ધ્યાનમાં આવ્યું હતું.

 જેને ધ્યાનમાં લઈને 25-02-2019 ની મોડી રાત્રીના સમયે કાંટાળી તાર ફેન્સીંગ કૂદીને જામનગરના વિજ પોલીસ સ્ટેશનના જે તે વખતના પી.એસ.આઇ એમ. કે. અપારનાથી તેમજ રાઇટર આર.કે.લુબાના વિજ ચોરી પકડવા માટે પહોંચ્યા હતા અને ઓઇલમીલમાંથી લંગરિયું વીજ જોડાણ પકડી પાડ્યું હતું.

ઓઈલ મિલના સંચાલકો દ્વારા વિવિધ થાંભલા પરથી ડાયરેક્ટ લંગરીયું વિજ જોડાણ મેળવીને મોડી રાત્રે સુધી ઓઇલ મીલને ચાલુ રાખી મોટા પાયે પાવર ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી વિજ પોલીસની ટીમ દ્વારા રોજ કામ-પંચનામુ વગેરે કરીને વિજ વાયર સહિતની સામગ્રી કબજે કરી લેવામાં આવી હતી. જ્યારે ઓઇલ મિલના સંચાલક રાકેશ માલદેવભાઈ કરમુરને 57,32,040-30 પૈસાનું પુરવણી બિલ આપ્યું હતું. ઉપરાંત તેની સામે વીજ પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

જે કે જામનગરની સેશન્સ અદાલતમાં ચાલી જતાં ગઈકાલે સાંજે અદાલતે તેમાં ચુકાદો આપ્યો હતો, અને ઓઈલ મિલના સંચાલક રાકેશ કરમુરને વિજ ચોરીના કેસમાં તકસીરવાન ઠરાવ્યો હતો. જે હાજર હોવાથી તેને તાત્કાલિક અસરથી જેલમાં મોકલી દેવા હુકમ કર્યો હતો. જેથી પોલીસે તેને જેલ હવાલે કર્યા છે.

આટલું જ માત્ર નહીં પરંતુ તેને ત્યાંથી 57 લાખની વીજ ચોરી પકડાઈ હોવાથી તેનો ત્રણ ગણો એટલે કે 1 કરોડ 71 લાખનો દંડ ભરવાનો પણ હુકમ કર્યો છે, જેથી અદાલત પરિસરમાં ગઈકાલે સોંપો પડી ગયો હતો. ઓઇલ મીલ સંચાલક દ્વારા દસ લાખ ભરીને જામીન માંગતા અદાલતે 57 લાખ ભરવા આદેશ કર્યો હતો. જામજોધપુરના રબારી કયા ગામના ઓઇલ મીલના સંચાલક રાકેશ કરમુર દ્વારા પોતાના વકીલ મારફતે જામીન પર મુક્ત થવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી, અને સ્થળ પર 10 લાખ રૂપિયા ભરવાની તૈયારી દર્શાવી હતી.

પરંતુ અદાલતે મૂળ વિજ ચોરીની લાખની 57 લાખ રૂપિયા ભરતભાઈ કરો તો જામીન અંગે વિચાર થઈ શકે, તેમ જણાવ્યું હતું. અને તેટલી રકમની વ્યવસ્થા થઈ ન હોવાથી મીલ માલિકને જેલમાં ધકેલી દેવાયા છે. આથી વિજ ચોરી કરતા તત્વોએ ખાસ ચેતીને રહેવું જરૂરી છે.


Google NewsGoogle News