ધ્રોલના બીજલકા ગામના સરપંચે બીમારીથી કંટાળી જઇ ઝેરી દવા પી લેતાં ભારે ચકચાર
Jamnagar Suicide Case : જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના બીજલકા ગામના સરપંચે આજે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાની બીમારીના કારણે તેઓએ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચ જયસુખભાઈ નરશીભાઈ મૂંગરા (ઉ.વ.47) એ આજે વહેલી સવારે પોતાની વાડીએ જંતુનાશક દવા પી લઈ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતક સરપંચના નાનાભાઈ ધીરજભાઈ નરશીભાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસની ટીમ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી જાણવા મળ્યા અનુસાર મૃતકને તાજેતરમાં કેન્સરની બીમારી ડિટેકટ થઈ હતી. જેના કારણે તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
આ બનાવને લઈને બીજલકા ગામમાં ભારે ચાર જાગી છે, અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.