જામનગરમાં ધોળા દિવસે લૂંટારાઓનો આતંક, બે મહિલા સહિત બાળકને માર મારી 14 લાખની કરી લૂંટ
Jamngar Crime: કહેવાતા સુરક્ષિત ગુજરાતમાં ગુનાખોરીમાં ભરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતના જામનગરમાંથી પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોળા દિવસે લૂંટારાઓએ ઘરમાં ઘુસીને ઘરમાં હાજર બે મહિલા સહિત ત્રણ વર્ષના બાળકને માર મારી લૂંટ કરી હતી. શહેરના તારમામદ સોસાઇટી વિસ્તારમાં રહેતાં વ્હોરા પરિવારના બંગલામાં આયુર્વેદિક દવા આપવાના બહાને બે લૂંટારાઓ ઘરમાં ઘૂસી ગયા અને પ્રૌઢ મહિલાને મોઢે ડૂચો દઈ, મૂઢમાર મારી ઘરમાંથી એક લાખની રોકડ રકમ અને સોનું સહિત 14 લાખની માલ-મિલકતની લૂંટ કરી હતી.
શું હતી સમગ્ર ઘટના?
જામનગરમાં તારમામદ સોસાઇટી વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા મુસ્તફાભાઈ નુરુદ્દીનભાઈ અતરિયા દાઉદી વ્હોરા કે જેઓ ગઈકાલે પોતાના કામથી બહાર ગામ ગયા હતા. તેમનો પુત્ર અબ્બાસ મુસ્તફા પણ બ્રાસપાર્ટના કારખાને ગયો હતો. આ દરમિયાન બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ તેમના ઘરમાં બે અજાણ્યા શખસો આયુર્વેદિક દવા આપવાના બહાને ઘરમાં ઘૂસી ગયા હતાં અને ઘરમાં હાજર મુસ્તફાની 58 વર્ષીય પત્ની ફરીદા સાથે વાતચીત કરી. બાદમાં એકાએક તેના મોઢામાં કપડું ભરાવી દઈ માર મારી ઘરમાં લૂંટ ચલાવી. ફરીદાનું ગળું દબાવવાનો પ્રયત્ન કરી તેમની પાસેથી તિજોરીની ચાવી માંગી એક લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ સોનાનું બિસ્કીટ અને અન્ય નાના-મોટા સોનાના ઘરેણાંઓ વગેરે સહિત 14 લાખની લૂંટ કરી હતી.
ત્રણ વર્ષના બાળકને માર્યો માર
એક લૂંટારો પ્રૌઢ મહિલાને પકડીને ઉભો હતો, જ્યારે બીજો લૂંટારો તિજોરીમાંથી લૂંટ ચલાવતો હતો. ત્યારબાદ ઉપરના માળે તપાસ કરતાં ફરીદાની 32 વર્ષીય પુત્રવધુ ફાતેમા પોતાના ત્રણ વર્ષના દીકરા સાથે હાજર હતી. લૂંટારાઓએ આ બંનેને પણ છરીની અણીએ ધમકી આપી મોઢે ડૂચા દઈ દીધા હતા, અને બંનેને માર માર્યો હતો. જેમાં ત્રણ વર્ષના બાળકને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ બંને લૂંટારાઓ લૂંટ કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
20 મિનિટ સુધી બે મહિલા અને બાળકને આપ્યો ત્રાસ
મળતી માહિતી મુજબ, બંને લૂંટારાઓએ 20 મિનિટ સુધી વ્હોરા પરિવારની સાસુ, વહુ તેમજ ત્રણ વર્ષના બાળક સાથે મારપીટ કરી ત્રાસ આપ્યો હતો. આ સિવાય 20 મિનિટ સુધી ઘરમાં આતંક મચાવ્યો હતો. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ વર્ષના અંતે ઉજવણીના બદલે અમરેલીમાં વિરોધ પ્રદર્શન, વેરાના વિરોધમાં બગસરા સજ્જડ બંધ
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર મામલે જાણ થતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પરિવારે સીટી. એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સમગ્ર બાબતે ગુનો નોંધી જુદા-જુદા સીસીટીવી કેમેરાની મદદથી લૂંટારાઓને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ હતી કે, બંસને લૂંટારાઓ બાઇકમાં આવીને લૂંટની ઘટનાને અંજામ આપીને પોરબંદર તરફ ભાગ્યા છે. જેથી જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તેમજ સી.ટી. ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ટુકડીએ તપાસનો દોર પોરબંદર સુધી લંબાવી બંને લૂંટારોની અટકાયત કરી જામનગર લાવવામાં આવ્યા હતાં. પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટના બનાવનો ભેદ ઉકેલી બંને આરોપીઓને પકડી હાલ વધુ પૂછપરછ હાથ ધરી છે.