જામનગર પોલીસ અને વીજ કંપનીએ સામૂહિક દુષ્કર્મના આરોપી સામે હાથ ધરી કવાયત, 4 મકાનોમાં ગેરકાયદે વીજ જોડાણ કાપ્યા
Jamnagar Rape Case : જામનગરમાં ગેંગરેપના કેસમાં પકડાયેલા આરોપીના રહેણાંક મકાનોમાં વીજ ચોરી થતી હોવાનું જણાતા પોલીસ દ્વારા વીજ કંપની પાસે કાર્યવાહી કરાવી આરોપીના ઘરોના વીજ જોડાણ કપાવી નખાવાયા હતા અને રૂ.અઢી લાખનું વીજ પુરવણી બિલ પણ આપવામાં આવ્યું હતું.
જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હુશેન ઉર્ફે હુશેન વાઘેર ગુલમામદ ઇસ્માઇલભાઇ શેખ (રહે. ઘાંચીની ખડકી બહાર વહેવારીયા મદ્રેશા પાસે જામનગર) સામે તાજેતરમાં ગેંગરેપ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીના અલગ અલગ રહેણાંક મકાનોએ પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આરોપીના ભોગવટાવાળા અલગ અલગ મકાનોમાં વીજ કંપનીનું મીટર લગાવેલ નથી અને વીજ થાંભલામાંથી ડાયરેક્ટ ગેરકાયદે વીજ કનેક્શન મેળવેલ છે. આથી જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન મુજબ આજરોજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ એન.એ.ચાવડા તથા ટીમ તથા વીજ કંપનીના અધિકારી તેમજ કર્મચારીઓ સાથે આરોપીના ઘાંચીની ખડકીએ આવેલ બે મકાનોમાં તેમજ સિલ્વરપાર્ક સોસાયટીમાં આવેલ એક મકાનમાં તેમજ પંચેશ્વર ટાવર પાસે આવેલ એક મકાનમાં ચેક કરતા તમામ મકાનોમાં વીજ કંપનીનું મીટર લગાવેલ ન હોય અને વીજ થાંભલામાંથી ડાયરેક્ટ કનેક્શન મેળવેલનુ સામે આવતા વીજ કંપનીના અધિકારીઓ એ કાયદેસરની કાર્યવાહી કરી તમામ ચાર ઘરના વીજ જોડાણ કાપી નાખયા હતા અને આશરે રૂ.2,50,000 નો દંડ ફટકારી આરોપી વિરૂધ્ધ ફોજદારી ફરીયાદ કરવાની તજવીજ ચાલુ કરવામાં આવી છે.