જામનગરમાં કરુણા અભિયાન અંતર્ગત પોલીસ તથા ફોરેસ્ટ શાખાની ટિમ દ્વારા પતંગના સ્ટોલ ધારકોને ત્યાં ચેકીંગ હાથ ધરાયું
Jamnagar Uttarayan Police Drive : જામનગર શહેરમાં આવતીકાલે મકરસંક્રાંતિના પર્વને લઈને વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, ઉપરાંત શહેર જિલ્લાની ૫શુપક્ષી માનવ ચિંતક વિવિધ સેવાકીય સંસ્થાઓ સેવાના ભાગરૂપે ઘાયલ પક્ષીઓને સારવાર સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. પરંતુ પ્રજાના રક્ષક પોલીસ સતત પશુ-પક્ષી માનવ સેવક તરીકે ફરજના ભાગે એલર્ટ રહી છે.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મંગુરભાઇ રાઠોડ સહિત સ્ટાફ તેમજ જામનગર ફોરેસ્ટ રેન્જ ઓફિસર દક્ષાબેન વઘાસીયા, દક્ષાબેન પટેલ, કેતનભાઇ રામાણી અને મહાવીરસિંહ સોઢા સહિતના સ્ટાફ દ્વારા જામનગર શહેરના ખંભાળિયા ગેટ વિસ્તાર, પવનચક્કી વિસ્તાર તેમજ લંઘાવાડના ઢાળીયા, ગુલાબનગર રોડ સહિતના વિસ્તારમાં ગઈકાલે દિવસ દરમિયાન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.
આવતીકાલના "મકરસંક્રાતિ પર્વ અંતર્ગત" ચાઇનીજ તુકકલ, નાયલોન અથવા અન્ય સીન્થેટીક માંઝા, સીન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન બાયોડિગ્રેબલ હોય તેવી દોરી, ચાઇનીઝ માંજા, નાયલોન, પ્લાસ્ટીકની દોરીઓ, કાચ પાયેલી દોરીઓ તથા અન્ય હાનીકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરીઓનુ ઉત્પાદન, સંગ્રહ અને વેંચાણ કરતા પંતગના સ્ટોલ વગેરેમાં ચેકીંગ હાથ ધરાયું હતું.
તમામ વિક્રેતાઓને આવું કોઈ પણ પ્રકારનું વેચાણ નહીં કરવા કડક સૂચના અપાઇ હતી. જોકે તમામ સ્થળે ચેકિંગ દરમિયાન આવી કોઈ વસ્તુઓ કબજે કરવામાં આવી નથી. કેટલાક સ્થળો ઉપર જાહેર રોડમાં દોરા તૈયાર થઈ રહ્યા હતા, તે તમામ સ્થળે પણ કાચ વગરનો ઉપયોગ નહીં કરવા સૂચના અપાઈ હતી.