Get The App

માનતા પૂરી કરવા જતાં જામનગરના પદયાત્રીઓને વાહને લીધા હડફેટે, પાંચ ભાઈઓમાંથી બે ભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
માનતા પૂરી કરવા જતાં જામનગરના પદયાત્રીઓને વાહને લીધા હડફેટે, પાંચ ભાઈઓમાંથી બે ભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ 1 - image


Jamnagar Accident : જામનગરના હાપા વિસ્તારમાં રહેતા પાંચ કુટુંબી ભાઈઓ કે જેઓ ગઈકાલે રાત્રે પદયાત્રા કરીને જામનગરથી ધ્રોલના સણોસરા ગામે પોતાના કુળદેવીએ દર્શનાર્થે જઈ રહ્યા હતા, જે દરમિયાન સોયલ ટોલનાકા નજીક કોઈ અજ્ઞાત વાહનના ચાલકે પાંચેય પદયાત્રીઓને હડફેટમાં લઈ લેતાં બે પિતરાઈ ભાઈઓના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે, તે પૈકી એકની હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી છે. આ બનાવને લઈને મૃતકના પરીજનોમાં ભારે કરુણંતીકા છવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા નજીક રાત્રિના ચારેક વાગ્યાના અરસામાં કોઈ અજ્ઞાત ભારે વાહનના ચાલકે જામનગરથી સણોસરા તરફ જઈ રહેલા પાંચ પદયાત્રીઓને હડફેટે લઈ લીધા હતા. જે ગંભીર અકસ્માતના બનાવવામાં જામનગરના હાપા વિસ્તારમાં રહેતા કુણાલ દીપકભાઈ પીપરીયા (16 વર્ષ) અને સુરેશ વિનોદભાઈ પીપરીયા (17 વર્ષ) બે પીતરાઇ ભાઈઓના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. 

આ ઉપરાંત તેઓની સાથે જ પદયાત્રા કરી રહેલા જામનગરના ચિરાગ દિલીપભાઈ પીપરીયા (17), જયદીપ દિલીપભાઈ પીપરીયા (ઉમર વર્ષ 18) અને રોહિત રમેશભાઈ પીપરીયા (ઉંમર વર્ષ 15) કે જે ત્રણેયને નાની મોટી ઈજા થઈ હોવાથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી ચિરાગ પીપરીયાની હાલત અત્યંત નાજુક ગણાવાઇ રહી છે.

આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોળ પોલીસની ટુકડી ઘટના સ્થળે તેમજ જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગરના હાપા વિસ્તારમાં રહેતા કોળી પરિવારના પાંચ પિતરાઈ ભાઈઓ કે જેઓ જામનગરથી પદયાત્રા કરીને સણોસરા ગામે આવેલા પોતાના કુળદેવીએ નવરાત્રીએ શીશ નમાવવા માટે જઈ રહ્યા હતા. જ્યાં આઠમના તહેવારને લઈને માતાજીના દર્શન કરે તે પહેલાજ પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી, અને બે ભાઈઓએ જીવ ગુમાવ્યા છે.



Google NewsGoogle News