જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આજે વોર્ડ નં-7 માં 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે' ઊપસ્થિત થયા
Jamnagar : જામનગરના 79 દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા પોતાના વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટેના 'જનતાની સેવા માટે જનતા ના દરવાજે' શીર્ષક હેઠળ ના પ્રકલ્પનો ગઈકાલથી પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો, અને સ્થાનિક નાગરિકોની વચ્ચે ઉપસ્થિત રહી તેઓના પ્રશ્નોને વાચા આપવા માટેના પ્રયાસો કર્યા હતા, જે પ્રજા વચ્ચે અને પ્રજાની સાથે રહેવાની પહેલને આજે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને વોર્ડ નંબર 7 ના નાગરિકોને સાંભળ્યા હતા.
આજે તેઓની સાથે વોર્ડ નંબર 7 ના સ્થાનિક કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા, અરવિંદભાઈ સભાયા, પ્રભાબેન ગોરેચા અને લાભુબેન બંધીયા ઉપરાંત જામનગર શહેરના પૂર્વ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી તથા સ્થાનિક ભાજપના વોર્ડ નંબર સાતના પ્રમુખ ભવ્યભાઈ પાલા, ઉપરાંત વોર્ડના મહામંત્રી અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને સ્થાનિક નાગરિકોના પ્રશ્નોને સાંભળી તેની વિશેષ નોંધ લીધી હતી.
આજે વોર્ડ નંબર 7 ના નાગરિકો દ્વારા સવારે 9.30 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલા શ્રીજી હોલમાં ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ તો ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા સ્થળ પર કરાવી દેવામાં આવ્યું હતું, જયારે અન્ય કેટલાક પ્રશ્નોને સાંભળીને તેનું વહેલી તકે નિરાકરણ લાવવા માટેની ખાતરી પણ આપી હતી. જેથી સ્થાનિક લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પણ વેગ અપાયો
આજના આ વિશેષ અભિયાનમાં વડાપ્રધાનની પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પહેલને પણ આગળ ધપાવવામાં આવી હતી, અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને તેઓની સમગ્ર ટીમ દ્વારા વિશેષ પ્રકારની કાપડ બેગનું વિના મૂલ્યે વિતરણ કરીને પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પણ વેગવંતુ બનાવ્યું હતું.