જામનગરમાં વધુ એક રોકાણ કરાવતી કંપનીએ કરોડોનો ચૂનો ચોપડ્યો, અમદાવાદની ઓફિસમાં એજન્ટોના ધામા
Crores Cheating in Jamnagar : જામનગરમાં યુનિક સ્વયમ મલ્ટીસ્ટેટ મલ્ટીપર્પઝ કો.ઓ.સોસાયટી લી. (મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ કંપની) માં ઊંચા વળતર ની લાલચે રોકાણ કરવાની લોભામણી સ્કીમમાં જામનગર શહેર અને આસપાસના વિસ્તારના અનેક લોકોએ પોતાની કરોડોની રકમ ગુમાવી હોવાનો વારો આવ્યો છે. કંપનીના મુખ્ય હોદ્દેદારોએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેરી લેતાં રોકાણકારો તેમજ 1500થી વધુ એજન્ટો ફસાયા છે, અને એજન્ટોની ટીમે અમદાવાદની ઓફિસમાં ધામા નાખ્યા છે. ઉપરાંત એજન્ટના ઘરે રોકાણકારો પહોંચીને મારામારી તેમજ જે હાથમાં આવ્યું તે ઝુંટવી લેવાના પણ કિસ્સા બન્યા હોવાનું સામે આવ્યું છે.
છ વર્ષે રૂપિયા બમણા આપવાની લોભામણી જાહેરાત
રાજ્યમાં વધુ એક ખાનગી કંપનીમાં નાણા રોકાણનાની લાલચે ચીટીંગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સૌથી વધુ રોકાણકારો જામનગર પંથકના નાગરિકો હોવાનું જાણવા મળી રહ્યું છે, અને તેમાં કરોડો રૂપિયાની રકમ સલવાઈ ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જામનગરમાં આવેલી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ નામની ખાનગી કંપનીની બ્રાન્ચ કે જે પેઢીની મુખ્ય ઓફીસ અમદાવાદમાં આવેલી છે, અને તેનું નેટવર્ક સમગ્ર દેશ ભરમાં છે, અને 95થી વધુ બ્રાન્ચ આવેલી છે.
જે કંપનીમાં નાણાનું રોકાણ કરનારને એક મહિને, બે મહિને, વર્ષે, એમ અલગ અલગ સમયે ઊંચી ટકાવારી પ્રમાણે કમિશન અપાતું હતું, જ્યારે મૂળ રકમ ના છ વર્ષે બમણા આપવાની પણ લોભામણી જાહેરાત કરીને અનેક રોકાણકારોના પૈસા જમા કરાવી કંપની દ્વારા પરત ચૂકવવામાં હાથ ખંખેરી લેવાયા છે.
કંપનીએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેરી લીધા
ગત 2016માં આ કંપની શરૂ થઈ હતી, અને જામનગર શહેરમાં આશરે 1,500 જેટલા એજન્ટ બન્યા હતા, અને અલગ અલગ રોકાણકારોની મોટી રકમ આ પેઢીમાં જમા કરાવાઈ હતી, તેમાં 25 કે 50 હજારથી લઈને 10 લાખ થી 25 લાખ સુધીનું પણ રોકાણ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. શરૂઆતમાં કંપની દ્વારા રોકાણકારોને ઊંચું વળતર અપાતું હતું, જેથી વધુ અનેક વધુ રોકાણકારો તેમાં આકર્ષાયા હતા, અને પોતાની મોટી રકમ આ પેઢીમાં જમા કરાઈ હતી, અને એજન્ટો મારફે તે તમામને પોલીસીઓ પણ અપાઇ હતી. જેની પાકતી પુરી થઈ ગઈ હોવા છતાં હાલમાં કંપનીએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેરી લીધા હતા.
રિકવરી માટે મારામારી, ઝપાઝપી
રોકાણકારો તેમજ એજન્ટો દ્વારા અમદાવાદની મુખ્ય કચેરીએ અનેક વખત ઉઘરાણી માટે ધક્કા ખાધા, પરંતુ ટૂંક સમયમાં નાણાં પરત મળી જશે, તેવી હૈયાધારણાં અપાતી હતી. જેમાં કેટલાક રોકાણકારોની ધીરજ ખૂટી જતાં જામનગરમાં વસવાટ કરતા એજન્ટોના ઘેર અથવા તો નોકરી-ધંધાના સ્થળે રોકાણકારોએ પહોંચી જઈ રિકવરી માટે મારામારી, ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, તો ક્યાંક ને ક્યાંક એજન્ટો ના મોબાઈલ ફોન, વાહન તથા અન્ય ચીજ વસ્તુઓ છીનવી લેવા ના પણ કિસ્સા બન્યા છે.
જામનગરના એજન્ટોએ અમદાવાદની ઓફિસમાં ધામાં નાખ્યા
આ મામલે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડાને આવેદન અને અરજીઓ પણ કરાઈ ચૂકી છે. તેમ જ કેટલાક એજન્ટો સામે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે. સમગ્ર મામલામાં રોકાણકારો ને પોતાના પૈસા મળ્યા ન હોવાથી હાલમાં જામનગરના 50થી વધુ એજન્ટોએ અમદાવાદની ઓફિસમાં ધામાં નાખ્યા છે, અને કંપનીના મુખ્ય સંચાલકો પાસેથી પૈસા મેળવવા માટે ના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. જામનગરના રોકાણકારોની કરોડોની રકમ સલવાઈ હોવાથી લોકોમાં પણ ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.