જામનગરથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા અફરાતરફી, તપાસમાં કશું વાંધાજનક ન મળ્યું
Flight Gets Bomb Threat : છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત દિવસોમાં જ 10 જેટલી ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી ઈ-મેઈલમાં મળી હતી. ત્યારે હવે 'જામનગરથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બ મુકાયો છે', તેવા ધમકી ભર્યા ઈ-મેઈલને લઈને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બપોરના સમયે ફ્લાઇટ એક તબક્કે રન-વે પર ચાલુ થઈ ગઈ હતી, જેને અચાનક રોકી દેવામાં આવી હતી અને તેમાં બેઠેલા તમામ 31 મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.
બે કલાક સુધી ચાલ્યું હતું સર્ચ ઓપરેશન
ત્યારબાદ જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડની સમગ્ર ટીમે ફ્લાઈટનો કબજો સંભાળીને સમગ્ર ફ્લાઈટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બે કલાકની આથાગ મહેનત બાદ આખરે પ્લેનમાંથી કશું વાંધાજનક મળ્યું ન હોવાથી હાશકારો અનુભવાયો હતો. જોકે, પ્લેનને હાલ રન વે પર જ રખાયું છે. જ્યારે મુસાફરોને જામનગરના એરપોર્ટ પર સહી સલામત રીતે રાખવામાં આવ્યા છે.
પોલીસથી લઈને એરફોર્સ પણ આવી હતી એક્શનમાં
આ બોમ્બના મેસેજ મળતા જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તમામ પોલીસ એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી હતી. બપોરે ત્રણેક વાગ્યાના સમયમાં એલસીબી, એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડની ટિમ, સિટી સી-ડિવિઝનનો પોલીસ સ્ટાફ વગેરે એરપોર્ટ પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જામનગર એરફોર્સની પણ તેમાં મદદ લેવામાં આવી હતી.
જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડની ટીમમાં પીએસઆઇ આર.સી. દેસાઈ, એ.એસ.આઇ. ડી.યુ અગ્રાવત, એ.એસ.આઇ. એલ.એમ લૈયા, હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઈ દાણીધારીયા, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાડેજા તેમજ ડોગ હેન્ગલર દશરથસિંહ જાડેજા તેમજ જામનગરના પોલીસ દળના એક્સપ્લોઝિવ ડોગ યાનકીની મદદ લેવામાં આવી હતી.