Get The App

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની રેકોર્ડ બ્રેક 15000 ગુણીની આવક થતાં નવી આવક માટે રોક લગાવાઇ

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની રેકોર્ડ બ્રેક 15000 ગુણીની આવક થતાં નવી આવક માટે રોક લગાવાઇ 1 - image


Hapa Marketing Yard Jamnagar : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિન પ્રતિદિન નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે, જેમાં આ વખતે ડુંગળીએ નવો રેકોર્ડ સર્જી દીધો છે. આજે વહેલી સવારે માત્ર એક જ દિવસમાં એકીસાથે 15,000 થી વધુ રેકોર્ડબ્રેક ડુંગળીની ગુણીની આવક થતાં યાર્ડ હાઉસફુલ થયું છે, અને નવી આવક માટે રોક લગાવવામાં આવી છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસોના ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી સમગ્ર સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આકર્ષાયા છે, અને પોતાની જુદી જુદી જણસોને વેચાણ અર્થે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાવવા માટે ખેડૂતો પ્રેરાયા છે.

મગફળી અને કપાસની નવી આવક થયા બાદ હવે આ વખતે ડુંગળીનો વારો આવ્યો છે. ગઈકાલે વહેલી સવારથી જ હાપા માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળીની આવકને લઈને વાહનોના થપ્પા લાગી ગયા હતા, અને સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો 225 થી વધુ વાહનોમાં ડુંગળી લઈને આવી પહોંચ્યા હતા, અને લાંબી કતાર લગાવી હતી. આજે સવારે છ વાગ્યે યાર્ડમાં પાંચ પાંચ વાહનોને અંદર લેવામાં આવ્યા હતા, અને એક પછી એક 225 વાહનોમાં અંદાજે 15,000 જેટલી મગફળીની ગુણીની કુલ આવક થઈ છે, અને હાપા યાર્ડ ચિક્કાર ભરાઈ ગયું છે.

અહીં ડુંગળીના પણ સારા ભાવ બોલાઈ રહ્યા છે, જેથી સૌરાષ્ટ્રના ખેડૂતોને સારો લાભ મળી રહ્યો છે. નવી જાહેરાતના થાય ત્યાં સુધી ડુંગળીના જથ્થાને લઈને હાલ રોક લગાવવામાં આવી છે, તેમ હાપા યાર્ડના ચેરમેનભાઈ મુકુંદભાઈ સભાયાએ જણાવ્યું હતું.

રાત્રિ ભર હાપા યાર્ડની બહાર ખેડૂતો અને વાહન ચાલકો ભારે ઠંડીના કારણે ઠુંઠવાતાં કચવાટ અનુભવાયો

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે ડુંગળીની રેકડ બ્રેક આવક થઈ છે, અને સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાના અલગ અલગ વાહનો મારફતે ડુંગળીનો જથ્થો લઈને આવ્યા છે, તેઓએ ગઈકાલે વહેલી સવારથી કતાર લગાવી હતી, અને હાપા યાર્ડની બહાર પોતાના વાહન સાથે ઉભા રહ્યા હતા.

 કેટલાક ખેડૂતોએ ગઈકાલે સાંજે હાપા યાર્ડમાં પોતાની ડુંગળીને ખાલી કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ આજે સવારે છ વાગ્યે જ તમામ આવક શરૂ કરવામાં આવી હોવાથી આખી રાત્રીભર વાહનચાલકોએ કાતિલ ઠંડીમાં બહાર રોકાવું પડ્યું હતું. પોતાના વાહન છોડીને ખેડૂતો-વાહન ચાલકો ક્યાંય જઈ શકે તેમ ન હોવાથી પોતાના વાહનમાં જ બેસીને રહેવું પડ્યું હતું, અને ઠંડીમાં ઠુંઠવાયા હતા, જેથી કેટલાક ખેડૂતો અને વાહનચાલકોમાં કચવાટ અનુભવાયો હતો.


Google NewsGoogle News