જામનગરની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી
Jamnagar Social Media Harassment : જામનગરમાં લીમડાલેન નજીક ઓફિસ ધરાવતી યુવતી કે જેને પ્રેમજાળમાં ફસાવી દઈ તેના અંગત પળોના ફોટા પાડી લીધા પછી તે ફોટા વાયરલ કરવા બાબતે યુવતીના ભાઈ અને પિતાને ડરાવ્યા ધમકાવ્યા હતા, તેમજ બળજબરીપૂર્વક ચાર લાખની કિંમતની કાર પડાવી લીધાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ મોટા થાવરીયા ગામની વતની અને હાલ જામનગર નજીકના લીમડાલેન વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સમાં લોન મેળવવા માટેની અરજીઓ તૈયાર કરવા માટેની ઓફિસ ધરાવતી એક યુવતી કે જે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા કાલિદાસ કમલભાઈ વાઘેલા નામના શખ્સના સંપર્કમાં આવી હતી, અને લોન મેળવવાના બહાને સંપર્કમાં આવ્યા પછી યુવતી અને કાલિદાસ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, જે દરમિયાન તેણે કેટલાક મોબાઈલ ફોનમાં અંગત પળોના ફોટા પણ પાસે લીધા હોવાનું જાણવા મળ્યું હતું.
જે સમયગાળા દરમિયાન કાલિદાસ વાઘેલાના પરિચયથી ચાર લાખ રૂપિયાની એક કારની યુવતીના ભાઈ અને પિતાએ ખરીદ કરી હતી, અને પિતાના નામે રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું. ત્યારબાદ કાલિદાસ વાઘેલા સાથે યુવતી સંબંધ રાખવા માગતી ન હોવાથી તોડી નાખતાં કાલિદાસ ઉસ્કેરાયો હતો, અને તેણે યૂવતીના ભાઈને ધાક ધમકી આપી હતી અને મેં અપાવી દીધેલી કાર મને પાછી આપી દેજો નહીં તો હું તમારી બેનના અંગત ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. ઉપરાંત એસ્ટ્રોસિટીના કેસમાં તમને અને તમારા પિતાને ફસાવી દઈશ તેવી પણ ધમકી ઉચ્ચારી હતી. જેથી ડરના માર્યા ચાર લાખ રૂપિયાની કાર કાલિદાસ વાઘેલાને આપી દીધી હતી.
પરંતુ આખરે હિંમત કરીને સમગ્ર મામલાને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં યુવતીના ભાઈની ફરિયાદના આધારે પોલીસે કાલિદાસ કમલભાઈ વાઘેલા સામે બીએનએસ કલમ 308-2, અને 351-1 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.