Get The App

જામનગરમાં પાનની દુકાનના વેપારીના મકાનમાં લાગી આગ, એક-એક રૂપિયો ભેગો કરી દિકરીના લગ્ન માટે લીધેલો 4 લાખનો કરિયાવર બળીને ખાખ

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
જામનગરમાં પાનની દુકાનના વેપારીના મકાનમાં લાગી આગ, એક-એક રૂપિયો ભેગો કરી દિકરીના લગ્ન માટે લીધેલો 4 લાખનો કરિયાવર બળીને ખાખ 1 - image


Jamnagar Fire Incident : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં એક પાનના વેપારીના રહેણાંક મકાનમાં આગ લાગી છે, અને તેના પર આભ તૂટી પડ્યું છે. પોતાની મહામહેનતે એકત્ર કરેલી રકમમાંથી પુત્રીના લગ્ન માટેનો રૂપિયા ચાર લાખ જેટલો કરિયાવરનો સામાન એકત્ર કરીને એક રૂમમાં રાખ્યો હતો, જે રૂમમાં દીવાની ઝાળના કારણે આગ લાગતાં તમામ કરિયાવર ભસ્મિભૂત થયો હતો, તેથી ભારે નુકસાની થઈ છે. જામનગર મહાનગરપાલિકાની ટીમ તથા આસપાસના લોકોએ એકત્ર થઈ આગને બુઝાવી હતી.

 આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા તેમજ છૂટક મજૂરી કામ કરતા એદુભા દેવુભા જાડેજા નામના વેપારી કે જેઓની પુત્રી પ્રિયાબા (ઉંમર વર્ષ 23) કે જેના થોડા સમય બાદ લગ્ન યોજાયા છે, જે લગ્નની તૈયારીના ભાગરૂપે લાંબા સમયથી એકત્ર કરેલી અંદર જે રૂપિયા ચારેક લાખની રકમ માંથી કરિયાવરનો સામાન એકત્ર કરીને પોતાના રૂમમાં રાખ્યો હતો. જેનું સગપણ જામનગર તાલુકાના મોટી બાંઉગાર ગામે થયું હતું, અને ત્યાં શાસરા પક્ષમાં કરિયાવરનો સામાન મોકલવા માટેનું કહ્યું હતું, પરંતુ હાલમાં ત્યાં કલર કામ વગેરે ચાલતું હોવાથી થોડાક દિવસ પછી સામાન લઈને આવવા જણાવ્યું હતું. 

દરમિયાન ગઈકાલે સાંજે 6.30 વાગ્યાના અરસામાં દીવો કરવાની ઝાળ લાગવાથી કરિયાવર રાખેલા રૂમમાં આગ લાગી ગઈ હતી, અને તમામ સામાન સળગ્યો હતો. જેમાં લાકડાની સેટી, ટીપાઈ, ગાદલા, ગોદડા, ઓછાડ, કબાટ વગેરે ફર્નિચર, 36 જેટલી સાડી તથા અન્ય કપડા અને ઘરવખરીનો સામાન વગેરે સળગી ઊઠ્યો હતો. 

આ બનાવથી ભારે દેકારો થઈ ગયો હતો, અને આસપાસના લોકો એકત્ર થયા હતા. જે લોકોએ પાણીની ડોલ વગેરે લાવીને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને પણ જાણ કરવાથી ફાયર શાખાની ટુકડી તુરતજ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને આગને બુઝાવી હતી. પરંતુ તે પહેલા તમામ ફર્નિચર વગેરે તેમજ અન્ય સામાન બળીને ખાખ થયો હતો, જેથી રાજપૂત પરિવારમાં આગના આ બનાવને લઈને ભારે ગમગીની ફેલાઈ છે. લાલપુર પોલીસને જાણ થવાથી લાલપુરની પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને પંચનામુ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News