વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ-2025 અંતર્ગત યોજાયેલ પેનલ ડિસ્કશનમાં જામનગરની વિદ્યાર્થીનીની પસંદગી
Jamnagar : બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવથી દુર રહી શકે અને તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરે છે. વર્ષ 2025માં આ કાર્યક્રમની આઠમી કડીનું આયોજન કરવામાં આવશે. આ પહેલા વિવિધ ટોપિક પર ગ્રુપ ડિસ્કશન કરવા માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યમાંથી 3 વિદ્યાર્થીઓ પૈકી જામનગર જીલ્લાની વિદ્યાર્થીનીની પણ પસંદગી કરાઈ હતી. અને તેઓના એસ્કોર્ટ ટીચર તરીકે પણ જામનગરના જ શિક્ષકની પસંદગી કરવામાં આવી હતી.
જામનગરની શ્રી જી.એસ.મહેતા મ્યુનિ. કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાડેજા અપેક્ષાબા અને તે જ શાળાના આચાર્ય હીનાબેન કે. તન્ના યશરાજ સ્ટુડિયો મુંબઈ ખાતે પહોચ્યા હતા, અને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિવિધ નિષ્ણાંતો સાથે આયોજિત પ્રિ-શૂટમાં વિદ્યાર્થીનીએ ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લઇ શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું. તે બદલ જીલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા અને શિક્ષકો દ્વારા તેણીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.