જામનગર જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં : ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં ચાલ્યો જતાં શિત લહેર પ્રસરી ગઈ
Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લો ગઈકાલ સાંજથી કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે, અને હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. આજે વહેલી સવારે ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં આવી જતા શીત લહેર પ્રસરી ગઈ છે, અને તાપમાનનો પારો 9.5 ડીગ્રીએ સ્થિર થયો છે.
સાથો સાથ પ્રતિ કલાકના 30 કિ.મી.ની ઝડપે બરફીલા ઠંડા પવનના કારણે લોકો થરથર કાંપ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. જેમાં ગઈ રાતથી તાપમાનનો પારો સિંગલ ડિઝિટમાં ચાલ્યો ગયો છે, અને તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું છે. જેથી ગઈકાલે મોડી સાંજથી જ લોકોએ ઘરમાં ભરાઈ રહેવાનું પસંદ કરતાં મુખ્ય માર્ગો સુમસામ નજરે પડતા હતા.
આજે વહેલી સવારે પણ મોર્નિંગ વોક કરનારા લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી, અથવા તો અન્ય લોકો ગરમ વસ્ત્રોમાં જ લપેટાયેલા જોવા મળતા હતા. ભેજ યુક્ત વાતાવરણના કારણેના સૂર્યદેવતાના દર્શન પણ મોડા થયા હતા. હવામાન વિભાગ દ્વારા હજુ ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 9.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 24.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતી કલાકના 25 થી 30 કિ.મી ની ઝડપે રહી હતી.