જામનગરની લાખો રૂપિયાના કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીઓ ઝડપાયા
જામનગર શહેરમાં થયેલી લાખો રૂપિયાના કોપર કેબલની ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા છે" અને તેઓની પાસેથી ચોરાયેલો કોપર કેબલ, વાહન અને મોબાઈલ ફોન મળી કુલ 6.90.000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અનડિટેક્ટ ચોરીના ગુન્હાઓને ઝડપથી ઉકેલવા માટે પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને પંચકોષી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ખાનગી બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ધુવાવ ગામથી સમરસ હોસ્ટેલ તરફ જતા રસ્તે પુલની બાજુમાંથી ચોરી કરેલ કેબલ, સ્વીફ્ટ કાર અને મોબાઇલ સાથે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં રાધેભા માણેક, દનાભા સુમણીયા, બાબુભા માણેક અને લુણાભા સુમણીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 1,75,000 રૂપિયાનું કોપર કેબલ, 5,00,000 રૂપિયાની કિંમતની સ્વીફ્ટ કાર અને 15,000 રૂપિયાના મોબાઇલ ફોન મળી કુલ 6.90.000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહીમાં પંચકોષી ‘એ' ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.શેખ, પ્રો.પો.સબ ઇન્સ્પેક્ટર એ.આર.પરમાર, પ્રો.પો.સબ ઇન્સ્પેક્ટર એચ.વી.ગોહિલ, પો.હેડ.કોન્સ. નિર્મળસિંહ. બી.જાડેજા, પો.કોન્સ હરદેવસિંહ મગળસિંહ ઝાલા, જોડાયા હતા.