જામનગરમાં પાંચ લાખના ખર્ચે બનાવેલો રોડ પાંચ મહિના પણ ન ટક્યો! જવાબદારો સામે કાર્યવાહીની માગ
Jamnagar News : જામનગર શહેરના નૂરી પાર્ક મુખ્ય માર્ગથી લાલવાડી વિસ્તારને જોડતો રોડ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત જુલાઈ મહિનામાં પાંચ લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ માત્ર પાંચ જ મહિનાના ટૂંકા ગાળામાં જર્જરિત થઈ ગયો છે. જ્યારે રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ, જામનગરના મોરકંડા માર્ગ પર ગાબડા પડ્યા બાદ વ્હોરના હજીરા પાસે બનાવવામાં આવેલા નવનિર્મિત બ્રિજ પરથી ડામર ધોવાઈ રહ્યું છે અને રસ્તો બિસ્માર થયો છે. આ ઉપરાંત નાગનાથ ગેટથી સાત રસ્તા સુધી નિર્માણાધીન ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર પણ ગાબડાઓ પણ પડયા. જેમાં શહેરનો એક માર્ગ જર્જરીત થઈ ગયો.
જામનગર શહેરની નવી ઈન્કમટેક્સ ઓફિસ પાછળનો માર્ગ પાંચ મહિના અગાઉ જ પાંચ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ આ માર્ગ બનાવતા વખતે હલકી ગુણવત્તાનો ડામર વાપરવામાં આવ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. રોડ પાંચ જ મહિનામાં તૂટી ગયો છે. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોન્ટ્રાકટરો સહિત જવાબદારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માગ કરી છે.