જામનગરમાં આજે સવારે ફરી કાતિલ ઠંડીનો ચમકારો : તાપમાન 13.5 ડિગ્રી સુધી નીચે પહોંચતાં શીત લહેર
Jamnagar Winter Season : રાજ્યમાં ઠંડીનું જોર વધતાં જામનગરમાં તાપમાન 13.5 ડિગ્રી સુધી ઘટી ગયું છે. વહેલી સવારે લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે પ્રતિ કલાકના 35 થી 40 કિ.મીની ઝડપ બરફીલો ઠંડો પવન ફૂંકાયો હોવાથી લોકો અને પશુ પક્ષીઓ થરથર કાંપ્યા છે. ઠંડી વધતાં લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાની સાથે તાપણાનો આશરો લેવાની ફરજ પડી છે.
જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વહેલી સવારે ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડીના કારણે શહેરના રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ ગરમ વસ્ત્રો પહેરીને આવી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડીમાં હજુ વધારો થવાની શક્યતા છે. આથી લોકોને ઠંડીથી બચવા માટે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રતિ કલાકના 35 થી 40 કિ.મી ઠંડો પવન ફૂંકાયો હોવાને કારણે લોકોએ અને પશુ પક્ષીઓએ ધ્રુજારીનો સામનો કરવો પડ્યો હતો.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સેન્ટિગ્રેટ જ્યારે મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 46 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 35 થી 40 કિ.મી ની ઝડપે રહી હતી.