દેશવ્યાપી હથિયારો વેચવાનું ગુજરાત કનેક્શન : વધુ 1 નિવૃત આર્મી જવાન સહિત 3ની ધરપકડ
જમ્મુના ગન હાઉસના માલિક સાથે મળી ગેરકાયદે હથિયાર-ડુપ્લીકેટ લાઈસન્સ આપવાનાં રેકેટમાં સોલા પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી
2 વર્ષમાં 800થી વધુ હથિયારો ગન હાઉસમાં વેચાયા : આરોપીઓ 2થી 5 લાખમાં હથિયારો ખરીદી ગુજરાતમાં 15થી 25 લાખમાં વેચતા હતા
અમદાવાદ, તા.21 ઓગસ્ટ-2023, સોમવાર
ગેરકાયદેસર હથિયારોના વેચાણમાં વધુ એક નિવૃત આર્મી જવાન પોલીસ સકંજામાં આવ્યો છે. જમ્મુના ગન હાઉસના માલિક સાથે મળીને ગેરકાયદે હથિયાર અને ડુપ્લીકેટ લાઇસન્સ આપવાનું રેકેટ શરૂ થયું હતું, જેમાં પોલીસે જમ્મુ કાશ્મીરથી વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ 3 આરોપીમાં નિવૃત આર્મી જવાન રસપાલકુમાર ચદગાલ અને ગન હાઉસનો માલિક ગૌરવ કોતવાલ અને તેનો મેનેજર સજીવ કુમાર શર્માની ધરપકડ કરવામાં આવી છે.
આર્મીના જવાનોની ખોટી સહિ-એન્ટ્રી કરી ગેરકાયદે હથિયારો વેચવાનો પર્દાફાશ
આરોપી રસપાલકુમાર આસામ રાઈફલ્સમાં સૈનિક તરીકે ફરજા બજાવતો હતો અને તે મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીના સર્પકમાં આવ્યો હતો. આ બન્ને જમ્મુ ખાતે આવેલા મહેન્દ્ર કોતવાલ ગન શોપમાંથી હથિયારો ખરીદ્યા હતા, જે ગેરકાયદે હથિયાર ખરીદી આરોપી પ્રતીક ગુજરાતમાં લાવતો હતો. મહત્વનું છે કે, હથિયારના લાઈસન્સ સાથે હથિયાર ખરીદવા માટે જે-તે લાઇસન્સ ધારકે હાજર હોવું જોઈએ પણ ગન શોપના માલિક અને મેનેજર રજિસ્ટરમાં અલગ અલગ આર્મી જવાનોની ખોટી સાઈન અને એન્ટ્રી કરી હથિયારો ગેરકાયદે વેંચતા હતા. સોલા પોલીસે જમ્મુ કશ્મીરમાં સર્ચ કરીને અલગ અલગ રજિસ્ટ્રાર અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે.
હથિયારોનું ડુપ્લીકેટ લાઈસન્સ બનાવી ગુજરાતમાં અલગ-અલગ લોકોને વેંચ્યા હાવનો ખુલાસો
ગેરકાયદેસર હથિયાર કારોબારમાં મુખ્ય સૂત્રધાર પ્રતીક ચૌધરી છે, જે મૂળ ગાંધીનગરનો રહેવાસી છે અને જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતો હતો. તેની આસામમાં પોસ્ટિંગ થઈ ત્યારે તે જતીન પટેલના સંપર્કમાં આવ્યો હતો. બન્ને આરોપી આસામ રાઇફલ યુનિટમાં ફરજ બજાવતા હતા. આરોપી જતીન નિવૃત થયા બાદ સચિવાલયમાં સિક્યુરિટી હેડ તરીકે ફરજા બજાવે છે. આરોપી નિવૃત થયા બાદ બન્ને આરોપી ગુજરાતમાં હથિયાર વેચવાનું નેટવર્ક શરૂ કર્યું. જેમાં આરોપી જતીન નિવૃત આર્મી જવાનના સંપર્ક કરીને તેઓના લાઈસન્સ રીન્યુ કરવાના બહાને હથિયાર અને લાઈસન્સ મેળવી લઈને આરોપી પ્રતીક ચૌધરીને આપતો હતો. જ્યારે પ્રતીક ચૌધરી આ લાઇસન્સના આધારે જમ્મુ કશ્મીરથી રસપાલકુમાર સાથે હથિયાર મેળવી લેતો હતો. ત્યારબાદ ડુપ્લીકેટ લાઈસન્સ બનાવીને ગુજરાતમાં અલગ અલગ લોકોને વેંચતા હતા. તેની સાથે આરોપી બિપિન મિસ્ત્રી હથિયાર ખરીદનાર ગ્રાહકોનો સંપર્ક કરાવતો હતો.
આરોપીઓએ 20થી વધુ લોકોને હથિયાર અને લાઈસન્સ વેચ્યા
આરોપીઓએ 20થી વધુ લોકોને હથિયાર અને લાઈસન્સ વેચ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે હથિયારના સોદાગરો બાદ હથિયાર ખરીદનાર 6 લોકોની ધરપકડ કરી છે. આરોપી પ્રતીક ચૌધરી તેની પાસેથી હથિયાર ખરીદતો હતો. તેઓ 2થી 5 લાખમાં હથિયાર ખરીદીને 15થી 25 લાખમાં ગુજરાતમાં વેંચતા હતા. આ હથિયાર જમ્મુથી બસમાં અમદાવાદ લાવતા હતા. આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના લોકોને હથિયાર વેચ્યા હોવાનું ખુલ્યું છે.