જામજોધપુરના વાંસજાળીયાની ડિસ્ટ્રીક કો. ઓપરેટિવ બેન્કનો કેશિયર 34.45 લાખની રોકડ રકમ લઈને છુંમંતર
Jamnagar Fraud : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં આવેલી ડીસ્ટ્રીક ઓપરેટિવ બેન્કનો કેશીયર પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરીને બેંકમાંથી રૂપિયા 34.45 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયો હોવાથી વિજિલન્સની તપાસ દરમિયાન મામલો સામે આવ્યો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામજોધપુર પોલીસ ફરાર કેશિયરને શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં આવેલી ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ બેંકની શાખામાં ધવલ મનસુખભાઈ સાદરીયા કેશિયર તરીકે ફરજ બજાવે છે, જેણે તાજેતરમાં તારીખ 23.10.2024 થી 28.10.2024 ના પાંચ દિવસના સમયગાળા દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને બેંકની તિજોરીમાં રાખવામાં આવેલી રૂપિયા 34 લાખ 45 હજારની રોકડ રકમ કે જે ઉપાડી લીધી હતી, અને રકમ સાથે બારોબાર રફુચક્કર થઈ ગયો હતો.
દરમિયાન તાજેતરમાં ડીસ્ટ્રીક કો-ઓપરેટિવ બેંકની વિજિલન્સ ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને બેંકના ઇન્ચાર્જ મેનેજર રાહુલભાઈ હસમુખભાઈ પંડ્યાને બોલાવીને તિજોરી ખોલાવી ચેકિંગ કરતાં તેમાં માત્ર પરચુરણ રકમ જોવા મળી હતી, અને બેંકના હિસાબ પ્રમાણે 34 લાખ 45 હજારની રોકડ રકમ ગાયબ હતી.
બેંકનો કેશિયર, કે જેની ચાવી પોતાની પાસે રાખતો હોવાથી બેંકના ઇન્ચાર્જ મેનેજર દ્વારા તેની ચાવી મંગાવવામાં આવી હતી, ત્યારે પોતે કાકા મારફતે ચાવી મોકલાવીને ગાયબ થયો હતો, અને પાંચ દિવસના સમયગાળાનો મોકો શોધીને રોકડ રકમ સાથે ગાયબ થઈ ગયો હતો.
જેથી બેંકના ઇન્ચાર્જ મેનેજર રાહુલભાઈ પંડ્યાની ફરિયાદના આધારે કેશીયર ધવલભાઇ સાદરીયા સામે જામજોધપુર પોલીસ મથકમાં વિશ્વાસઘાત ને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને ફરાર થઈ ગયેલા કેશિયરની જામજોધપુર પોલીસ શોધખોળ ચલાવી રહી છે.