Get The App

જય જલિયાણ’ના નાદથી વીરપુર ગુંજ્યું, જલારામબાપાની 222મી જન્મજયંતીએ 222 કેક બનાવી, ભવ્ય શોભાયાત્રા

Updated: Nov 11th, 2021


Google NewsGoogle News
જય જલિયાણ’ના નાદથી વીરપુર ગુંજ્યું, જલારામબાપાની 222મી જન્મજયંતીએ 222 કેક બનાવી, ભવ્ય શોભાયાત્રા 1 - image


- ઘરે-ઘરે રંગોળી પુરાઈ, તોરણ બંધાયાં, દર્શનાર્થે મોડી રાતથી ભાવિકોની લાઇન, દેશ-વિદેશમાંથી ભાવિકો દર્શન માટે પહોંચ્યા

- વીરપુરવાસીઓએ વહેલી સવારે ફટાકડા સાથે આતશબાજી કરી બાપાની જન્મજયંતીનાં વધામણાં કર્યાં

જેતપુર, તા.૧૧-૧૧-૨૦૨૧

'ટુકડો ત્યાં હરિ ઢૂંકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ' આ સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. તેમના વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે.

કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુરમાં ઊમટી પડ્યા છે. સવારથી જ બાપાનાં દર્શન કરવા માટે ભાવિકોની કતારો લાગી છે. વીરપુરમાં ઘરે ઘરે રંગોળી દોરવામાં આવતાં દિવાળી જેવો માહોલ ઊભો થયો છે. ફૂલ અને આસોપાલવનાં તોરણ બાંધી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે. દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને પૂજ્ય બાપાના જન્મદિનનાં વધામણાં કરવામાં આવી રહ્યાં છે. આજે અહીં આવેલા જલારામબાપાના ભક્તો માટે ખાસ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

જય જલિયાણ’ના નાદથી વીરપુર ગુંજ્યું, જલારામબાપાની 222મી જન્મજયંતીએ 222 કેક બનાવી, ભવ્ય શોભાયાત્રા 2 - image

સમસ્ત વિરપુર ગ્રામજનો દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી છે. જલારામ બાપાની શોભાયાત્રાનું વિરપુરના ઐતિહાસિક એવા મીનળવાવ ચોકમાંથી પ્રસ્થાન કરાયું હતું. પૂજ્ય બાપાની 222મી જન્મજયંતિ હોવાથી શોભાયાત્રામાં પણ 222 કેક પૂજ્ય બાપાને ધરવામાં આવી છે. શોભાયાત્રામાં જલાબાપાને કેક ધરીને ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવી હતી. આ કેક પૂજ્ય જલારામબાપાની જગ્યામાં જે ધર્મની ધ્વજા ફરકે છે તે પૂજ્ય બાપાની ધ્વજાના ત્રણ રંગ છે, લાલ, પીળો અને સફેદ તે જ ત્રણ રંગની એક એક કિલોની 222 કેક વિરપુરના સેવાભાવી યુવાનો દ્વારા બનાવવામાં આવી હતી. ગામની દીકરીઓએ શોભાયાત્રામાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.


Google NewsGoogle News