વીરપુરમાં 'જય જલ્યાણ'નાં નાદ વચ્ચે જલારામ જયંતીની ધામધૂમથી ઉજવણી
'જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો'ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણીનાં ભાવભેર દર્શન-પૂજન : આખો દિવસ જલારામ મંદિરે દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી, ઠેર-ઠેર પ્રસાદ વિતરણ : ઘરે-ઘરે રંગોળી અને આસોપાલવનાં તોરણ બંધાયા, ભવ્ય શોભાયાત્રા નીકળી
વીરપુર, : 'જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો' ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમી અને કર્મભૂમી વીરપુરધામમાં બાપાની ૨૨૫મી જન્મ જયંતિની નિમીતે લાખો ભાવિકો ઉમટી પડયા હતા. આ સાથે 'જય જલીયાણ'ના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતું. ભાવિકોએ બાપાના દર્શન કરી સદાવ્રતનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. આજે વહેલી સવારથી જ ભાવિકોની ભીડ ઉમટી હતી. પૂજ્ય જલાબાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી.
વીરપુરધામમાં આજે પૂજ્ય જલારામબાપાની ૨૨૫મી જન્મ જયંતિ નિમિતે વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર ગામને ધજા, પતાકા તેમજ રોશનીથી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુરવાસીઓએ ઘેર-ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, દીવડાઓ, લાઈટ ડેકોરેશન, આંગણાઓમાં જલારામબાપાના જીવનની ઝાંખી દર્શાવતી રંગબેરંગી રંગોળીઓ પુરવામાં આવી હતી. વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને આતશબાજી કરીને જલારામ બાપાના જન્મદિનના વધામણાં કરવામાં આવ્યા હતા