જલારામ બાપાની 225મી જન્મ જયંતિની સુરતમાં તડામાર તૈયારીઓ : મંદિરોમાં મહાપ્રસાદી, છપ્પનભોગ સહિત ડાયરાનું આયોજન
image : Filephoto
Jalaram Bapa Jayanti 2024 : સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ઉજવણી માટે સુરત શહેરમાં તળાવમાં તૈયારી થઈ રહી છે. સુરત શહેર અને જિલ્લાના જલારામ મંદિરો સહિત અનેક મંદિરોમાં બાપાના જન્મોત્સવની ઉજવણી માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શુક્રવારે બાપાની જન્મ જયંતી છે તે પહેલા જલારામ મંદિરોને શણગારવામાં આવી રહ્યા છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
પૂજ્ય જલારામ બાપાની આગામી શુક્રવારના રોજ 225 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટે બાપ્પાના ભક્તો અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગને વધુ દિપાવવા માટે શહેર અને જિલ્લાના વિવિધ મંદિરોમા રંગબેરંગી લાઈટ, કમાનો, ધજા, તોરણો બાંધીને શણગારવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામબાપાની આગામી 8 નવેમ્બરે શુક્રવારે કારતક સુદ સાતમના રોજ આવતી 225મી જન્મ જયંતિને ઉજવવા માટે અત્યારથી જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરના જુદા-જુદા વિસ્તારમાં દર વર્ષે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાથે ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાં મીની વિરપુર, ભાગળ-બુંદાલાવાડ, બાલાજી જલારામ મંદિર સહિત અનેક મંદિરમાં બાપાના જન્મદિવસની ઉજવણી માટે ખાસ આયોજન કરવામા આવ્યું છે. સુરતમાં બાપાના મંદિરમાં વિવિધ પૂજા વિધિ, યજ્ઞ માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્નકૂટ અને 56 ભોગ પ્રસાદનો થાળ માટે પણ આયોજન કરવામા આવ્યું છે. આ સાથે કળશ યાત્રાના આયોજન અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.