VIDEO: પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓનું પુનઃ સ્થાપન શરૂ, જૈન સમાજના આક્રોશ પછી લેવાયેલો નિર્ણય

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
Restoration of Jain idols in Pavagadh


Restoration of Jain idols in Pavagadh: યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો હતો. જૈન સમાજમાં ભારે રોષ ફાટી નીકળતા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આ મામલે રાજ્ય સરકારે પંચમહાલ કલેક્ટરને મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાના આદેશ આપ્યા હતા. તેથી જૈન તીર્થંકરોની મૂર્તિઓનું પુનઃ સ્થાપનનું કામ શરૂ કરાયું છે.  

મૂર્તિ વિવાદ મામલે પંચમહાલ ડીએસપીને તસાપ સોંપાઈ

આ મામલે ફરિયાદ પણ નોંધી લેવામાં આવી છે. જેની તપાસ પંચમહાલ ડીએસપીને સોંપાઈ છે. આ પહેલા વડોદરા, સુરત અને અમદાવાદમાં જૈન અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને જૈન તીર્થંકરોની મૂર્તિઓનું પુનઃસ્થાપન કરવાની માગ કરી હતી.

જૈન મુનિઓએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી

આ ઘટના પછી સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં જૈન સાધુ-સંતો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરાયું હતું. આ દરમિયાન જિનાગમ રત્ન મહારાજે ચીમકી આપી હતી કે, 'ગુનેગારોને સજા નહીં મળે ત્યાં સુધી અમે હટીશું નહીં. ગુજરાતના જૈન સમાજને હવે રાજ્ય સરકાર અને ગૃહ મંત્રીની ખાતરી પર વિશ્વાસ નથી. અમને આશ્વાસન ખપે નહીં. પરિણામ આવે પછી અમારી પાસે આવજો.' આમ, જૈન સાધુ-સંતો  ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હોવા છતાં ધરણાં સમેટવા તૈયાર ન હતા.

વાંક એ લોકોનો નથી, વાંક આપણો છે: જૈન મહારાજ વિરાગ ચંદ્રસાગર ભગવંત

રાજ્ય સરકાર સામે રોષ ઠાલવતા જૈન મહારાજ વિરાગ ચંદ્રસાગર ભગવંતે કહ્યું કે,' આવતીકાલ માટે આપણે કંઈક વિચારવું પડશે. ક્યાં સુધી આપણે સહન કરીશું. દરેક વખતે ભીખ માંગવાની, દર વખતે આવેદનપત્ર આપવાના, વાંક એ લોકોનો નથી, વાંક આપણો છે. આપણે મોકો આપીએ છીએ. આપણામાં એકતાનો અભાવ છે. આપણે ભોગ વિલાસમાં ચકચૂર બનતા ગયા. આપણે નોટ બેંક બનતા ગયાં. જૈનો પાસે જ્યારે આ સવાલ આવશે, આજે બાકી બધાને થાબડ થીબડ થતાં હોય, બાકી બધાને સાચવવામાં આવતા હોય, બાકી બધાને રોજબરોજ સામેથી ભેટ મળતી હોય, એનું કારણ એક જ છે કે, એ લોકો નોટ બેંક નથી, એ લોકો વોટ બેંક છે.'

જાણો શું છે મામલો

પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બંને બાજુ ગોખલામાં 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે. 20 દિવસ પહેલાં આ જૂના દાદરાને તોડવાની કામગીરી શરુ કરી હતી. ત્યારે જૈનોએ કલેક્ટર અને એએસઆઇને આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓને નુકસાન થશે. આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે.

આમ છતાં દાદરા તોડવાની કામગીરી વખતે જૈન તીર્થંકરોની મૂર્તિઓ તોડીને કચરામાં ફેંકી દેવાઈ હતી. આ અંગે જૈન સમાજે અગાઉથી ચેતવણી આપી હોવા છતાં તંત્રે તેના પર ધ્યાન આપ્યું ન હતું. 


Google NewsGoogle News