વડોદરામાં પર્યુષણ તપનો રેકોર્ડ ઃ 300 સિધ્ધી તપના પારણા, જાણો શુ છે આ સિધ્ધિ તપ
વડોદરા,તા.14 સપ્ટેમ્બર,શુક્રવાર
શહેરના ૩૬ જૈન સંઘોમાં સિધ્ધિ તપ કરનાર ૩૦૦ તપસ્વીઓના શનિવારે અકોટા સ્ટેડિયમ ખાતે પારણા થશે. વડોદરામાં અત્યાર સુધી ૨૦૦ થી ૨૭૫ સિધ્ધી તપ થયા છે આ વખતે તે રેકોર્ડ તૂટયો છે અને ૩૦૦ લોકોએ સિધ્ધી તપ કરવાની સિધ્ધિ નોંધાવી છે.
સિધ્ધી તપના પ્રારંભમાં અલકાપુરી જૈન સંઘ ખાતે પ.પૂ.આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મ.સા અને આચાર્ય કલ્યાણબોધીસૂરીશ્વરજી મ.સા.એ તપસ્વીઓને પચ્ચખાણ (મંત્ર શક્તિથી તપ પુર્ણ કરવાની શક્તિ પ્રદાન કરતી વિધી) આપ્યા હતા. શનિવારે સવારે ૭.૩૦ વાગ્યે અલકાપુરી જૈનસંઘ પાસે આવેલ શ્રીનગર સોસાયટીમાં સંઘના આગેવાન અને સિધ્ધિ તપ કરનાર પ્રશાંતભાઇ શાહના ઘરેથી આચાર્ય સંયમબોધીસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં વડોદરાના ૩૬ જૈન સંઘોમાં બિરાજમાન ૪૨ સાધુ સાધ્વીજી ભગવંતો અને શ્રમણ શ્રમણીઓ સહિત સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત રહેનાર શ્રધ્ધાળુઓ સાથે તપસ્વીઓનો વરઘોડો નિકળશે અને અકોટા સ્ટેડિયમ ખાતે પહોંચશે. જ્યાં આચાર્ય સંયમબોધીસૂરીશ્વરજીની નિશ્રામાં જૈન શાસ્ત્ર અનુસાર તપસ્વીઓને પારણા કરાવવામાં આવશે અને તપસ્વીઓનું બહુમાન થશે.
ઉપવાસ અને બિયાસણાની શૃંખલા એટલે સિધ્ધી તપ
પૂ.અભયરત્નજીએ સિધ્ધિતપમાં સળંગ ૩૬ ઉપવાસ કર્યા તો ૬૬ વર્ષના લીનાબેન શાહે બિયાસણાના સ્થાને આયંબિલ કરીને તપ કર્યું
વડોદરામાં ૩૦૦ સિધ્ધિ તપની સિધ્ધિ તપસ્વીઓએ હાંશલ કરી છે અને શનિવારે સવારે તેમના અકોટા સ્ટેડિયમમાં પારણા થશે એમ કહેતા જૈન સંઘના આગેવાન દીપક શાહે ઉમેર્યું હતું કે આ ૩૦૦ સિધ્ધી તપમાં અલકાપુરી જૈન સંઘ ખાતે બિરાજમાન પૂ.અભયરત્ન વિજયજી મહારાજ સાહેબે સિધ્ધિ તપના સળંગ ૩૬ ઉપવાસ કર્યા છે. જ્યારે ૬૬ વર્ષના લીનાબેન શાહે સિધ્ધી તપમાં બે ઉપવાસની વચ્ચે આવતા બિયાસણાના બદલે આયંબીલ કરીને તપ કર્યું છે. આ ઉમરે પણ આટલુ આકરૃ તપ કરીને લીનાબેને ઉપવાસનો મહિમા વધાર્યો છે.
સિધ્ધિતપ અંગે સમજણ આપતા દિપક શાહે કહ્યું હતું કે 'એક દિવસ ઉપવાસ પછી એક દિવસ બિયાસણું (બિયાસણાના દિવસે સામાન્ય દિવસોની જેમ ભોજન લઇ શકાય) પછી બે ઉપવાસ એક બિયાસણું, ત્રણ ઉપવાસ એક બિયાસણું એમ ઉપવાસ અને બિયાસણાની શૃંખલા એટલે સિધ્ધિ તપ. આ શૃંખલામાં છેલ્લે પર્યુષણના ૮ દિવસના સળંગે આઠ ઉપવાસ આવે છે. કુલ ૩૬ ઉપવાસ અને ૭ બિયાસણા થાય છે.
લીનાબેને બિયાસણાના બદલે આયંબિલ કર્યા. આયંબિલ એટલે તે દિવસે મીઠ્ઠુ અને મસાલાવગરનું માત્ર બાફેલો ખોરાક જ ગ્રહણ કરવો.