જગદીશ પંચાલે અભિનંદન પાઠવવામાં લોચો માર્યો, નાફેડ અને નાબાર્ડ વચ્ચેનો તફાવત ખબર નથી!

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
જગદીશ પંચાલે અભિનંદન પાઠવવામાં લોચો માર્યો, નાફેડ અને નાબાર્ડ વચ્ચેનો તફાવત ખબર નથી! 1 - image


Gujarat Assembly Monsoon Session 2024 : ગુલ્લીબાજ શિક્ષકોનેલઇને શિક્ષણ વિભાગ પર માછલાં ધોવાઇ રહ્યાં છે. આ મુદ્દાને કારણે શિક્ષણ વિભાગ જ નહીં, સરકારની આબરૂ ધૂળધાણી થઇ છે એનુ કારણ એ છે કે, શાળામાં શિક્ષકોની ગેરહાજરીને કારણે બાળકોના ભણતર પર કેવી અસર થઇ રહી છે તે મામલે વાલીઓ ચિંતિત છે. જયારે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે, ત્યારે ભાજપના ધારાસભ્યો લાજવાને બદલે ગાજી રહ્યાં હોય તેમ લાગી રહ્યુ છે. 

વિધાનસભા ગૃહમાં જયારે ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ગાજ્યો ત્યારે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વિદેશ પ્રવાસે ઉપડેલાં એકેય શિક્ષકને પગાર ચૂકવાયો નથી તેમ જાણે સિઘ્ધી મેળવી હોય તે રીતે જવાબ આપ્યો હતો. એ તો ઠીક, પણ ભાજપના ધારાસભ્ય પ્રવિણ માળીએ તો હદ કરી. તેમણે તો કહ્યું કે, વિદેશ પ્રવાસે ગયેલાં અને સતત ગેરહાજર રહેનારાં એકેય શિક્ષકને પગાર ચૂકવાયો નથી તે બદલ ભૂપેન્દ્ર પટેલની સરકારને ખુબ ખુબ અભિનંદન... 

ખુદ સહકાર મંત્રી જગદીશ પંચાલને જ નાફેડ અને નાબાર્ડ વચ્ચેનો તફાવત ખબર નથી

સહકારી બેંકોના મામલે વિપક્ષે બેન્ક ખાતા ખોલાવવા દબાણ કરવામાં આવી રહ્યુ છે તેવો આક્ષેપ કરતાં મંત્રી જગદીશ પંચાલે જવાબ આપવામાં જરાય કસર છોડી ન હતી પણ વિધાનસભા ઉપાઘ્યક્ષ જેઠા ભરવાડને અભિનંદન આપવામાં ભાંગરો વાટ્યો હતો.

જગદીશ પંચાલે જેઠા ભરવાડને નાબાર્ડના ચેરમેન તરીકે નિયુક્તિ થતાં અભિનંદન પાઠવ્યા હતાં. જોકે, અઘ્યક્ષે ભૂલ સુધારી કહ્યુંકે, મંત્રી નાબાર્ડ નહી પણ નાફેડના ચેરમેન બન્યાં છે. આમ, મંત્રી જગદીશ પંચાલને નાબાર્ડ અને નાફેડ વચ્ચેના તફાવતનો ખ્યાલ રહ્યો નહીં. અભિનંદન આપવાના ઉત્સાહમાં મંત્રી પંચાલે લોચો માર્યો હતો. 

છેલ્લે.... પાંચ  દલબદલુ ધારાસભ્યના આગમનને પગલે ગૃહની આખીય બેઠક વ્યવસ્થા બદલાઇ હતી. સિનિયોરિટીને ઘ્યાનમાં રાખી મોઢવાડિયા, સી.જે.ચાવડાને અઘ્યક્ષની સામેના ભાગે બેસાડવામાં આવ્યા હતાં જયારે અરવિદ લાડાણી, ધર્મેન્દ્રસિહ અને ચિરાગ પટેલને છેલ્લી હરોળમાં બેસાડવામાં આવ્યા હતાં. 


Google NewsGoogle News