Get The App

જે. એન. એન્ટરપ્રાઈઝમાંથી 17 હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત : જીપીસીબીની નોટિસ

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
જે. એન. એન્ટરપ્રાઈઝમાંથી 17 હજાર કિલો પ્રતિબંધિત  પ્લાસ્ટિક જપ્ત : જીપીસીબીની નોટિસ 1 - image


- બોરસદ પાલિકાનો વાસણા જીઆઈડીસીમાં દરોડો

- રો-મટિરિયલ સહિત રૂપિયા ૨૫ લાખનો મુદ્દામાલ સીઝ 

આણંદ : બોરસદ તાલુકાની વાસણા જીઆઈડીસીમાં આવેલી જે.એન. એન્ટરપ્રાઈઝમાંથી ૧૭ હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો બોરસદ પાલિકાએ ઝડપી પાડયો હતો. ૧૨૦ માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકનું રો-મટિરિયલ, તૈયાર ઝભલા બનાવવાની મશીનરી સહિત રૂા. ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી જીપીસીબીને જાણ કરાઈ હતી. ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કંપનીને નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખૂલાસો નહીં કરાય તો ફેક્ટરીના ક્લોઝર કરવા સુધીની કાર્યવાહી કરાશે.

બોરસદ પાલિકાનો સ્ટાફ ૧૨૦ માઈક્રોનથી નીચા પ્લાસ્ટિક શોધવાની ઝૂંબેશમાં ચેકિંગમાં હતું. દરમિયાન વાસણા જીઆઈડીસીમાં આવેલી જે.એન. એન્ટરપ્રાઈઝમાં ફેક્ટરીની અંદર હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકની થેલી- ઝભલાં બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં પાલિકાની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન કંપનીમાં કામદારો દ્વારા ભારી માત્રામાં હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના ઝભલાં- થેલીનું ઉત્પાદન કરવાની કામગીરી ઝડપાઈ ગઈ હતી.

બોરસદ પાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહે જણાવ્યું હતું કે, જ્યારે વ્યાપારી, દુકાનમાં રેડ દરમિયાન આક્ષેપ કરાય છે કે ઉત્પાદન કરતા એકમોને પણ પકડો. ત્યારે હાલ જીઆઈડીસીમાં ધમધમતી હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના ઝભલાં બનાવતી ફેક્ટરી ઝડપી પડાઈ છે. જેમાં રો-મટિરિયલ, પ્લાસ્ટિકના ઝભલાં- થેલી, રોલ સહિત કુલ ૧૭,૦૦૦ કિલોનો પ્રતિબંધિત જથ્થો ઝડપી પાડયો છે. મશીનરી સહિત રૂા. ૨૫ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે. 

આણંદ જિલ્લા જીએસપીસીના અધિકારી માર્ગી પટેલે જણાવ્યું હતું કે, ઝડપાયેલી ફેક્ટરી વિરૂદ્ધ સ્થળ પર જઈ કાર્યવાહી કરાઈ છે. ફેક્ટરીમાં ૧૨૦ માઈક્રોનથી નીચા પ્લાસ્ટિકના ઝભળાનું મોટા પાયે ઉત્પાદન થયેલું માલુમ પડયું છે. જેથી સ્થળ પરથી નમૂના લેવાયા છે. પર્યાવરણીય કાયદા અંગે ક્ષતિઓ જણાતા ૩ દિવસમાં ખૂલાસો કરવા નોટિસ ફટકારાઈ છે. જો તેમ નહીં થાય તો કંપની વિરૂદ્ધ ક્લોઝર સુધીની કાર્યવાહી પણ કરાશે. તેમ તેમણે જણાવ્યું હતું. 

દરોડામાં કયો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરાયો

વસ્તુ

નંગ અથવા કિલો

પ્લાસ્ટિક બેગ બનાવવાના મશીન

બે નંગ

પ્લાસ્ટિક બેગની ગણતરીનું મશીન

એક નંગ

પ્લાસ્ટિક રૉ-મટિરિયલનું મશીન

૩ નંગ

૧૨૦ માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકનું રૉ-મટિરિયલ

૧૦,૦૦૦ કિલો

તૈયાર પ્લાસ્ટિકના ઝભલાં

,૦૦૦ કિલો

પ્લાસ્ટિકના રૉલ

૭૫૦ કિલો

છૂટક પ્લાસ્ટિકનો જથ્થો

૧૫૦ કિલો


Google NewsGoogle News