યુનિ.માં 'રાયફલ શૂટિંગ રેન્જ'ના સફેદ હાથીને સાચવવો મૂશ્કેલ : એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ
- આજે ઈ.સી.માં બાંધકામ અને શારીરિક શિક્ષણના પ્રશ્નો ચર્ચાશે
- કરોડોની ગ્રાન્ટ મળે છે પણ વ્યક્તિગત મંતવ્યોના કારણે યુનિ.ના મોટાભાગના વિકાસ કામો ટલ્લે ચડતા હોવાનું તારણ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સ્પોર્ટસ અને કલ્ચરલ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે અને રાજ્ય કે નેશનલ કક્ષાએ નંબરો પણ મેળવે છે ત્યારે તેને સંલગ્ન જરૂરીયાતવાળા વિકાસ કાર્યો નિયત મર્યાદાને ધ્યાને લઈ થવા જોઈએ અને તે માટે ગ્રાન્ટ પણ ઉપલબ્ધ છે. પરંતુ વ્યક્તિગત મંતવ્યોના કારણે પ્રોજેક્ટનું સ્વરૂપ વારંવાર બદલાતુ રહેતા અંતે કોઈ પ્રોજેક્ટ આકાર પામી શકતો નથી અને સરવાળે પછેડી કરતા સોડ મોટી તણાય જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. સિદસર પાસેના યુનિ. કેમ્પસમાં રાયફલ શુટીંગ રેન્જની દરખાસ્ત શા.શિ. વિભાગે નથી કરી અને અન્યથી માંગણી પત્ર આવ્યો અને ઈ.સી.માં તેને મંજુર કરાઈ હતી. જેને યુનિ.એ એકસેપ્ટ કરી ફંડની જોગવાઈ થઈ અને બાંધકામ શાખાને કામ કરવા પરવાનગી અપાઈ ૭.૩૨ કરોડની પ્રપોઝલ મંજુર થઈ અને વધારામાં શોર્ટગન શુટીંગ રેન્જના ૨.૨૭ કરોડના સાધનો પણ ખરીદાયા આમ મંજુરી રાયફલ શુટીંગની મળી અને સાધનો શોર્ટગનના આવ્યા છે. જ્યારે એન.ઓ.સી. પણ રાયફલ શુટીંગની મળી છે. ત્યારે શોર્ટગનનું લાયસન્સ લેવાનું હજુ બાકી છે. ગન લેવાની બાકી છે. કોચ અને રેન્જ ઓપરેટરો નિમવાના બાકી છે. જે સ્ટ્રકચર ઉભુ કરાયુ છે ત્યાં ચોમાસામાં પાણી ભરાય છે. આવી અધુરી બાબતોને લઈ રેન્જ સંભાળવાની ઉતાવળ થઈ રહી છે. સંચાલન સોપાયા બાદ પણ મહિને એક વિદ્યાર્થીનો નિભાવ ખર્ચ અંદાજે એક લાખ અંકાય છે. ત્યારે તેના મેઈન્ટનન્સ માટેની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી બની છે. આમ યુનિ.ના કમ્પાઉન્ડમાં ધરાર બાંધેલ આ ધોળા હાથીનો નિભાવ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ છે. જેનો અલગથી કોઈ હલ શોધવો જરૂરી છે. તો બીજી તરફ ક્રિકેટ ગ્રાઉન્ડ ૧.૨૫ કરોડના ખર્ચે અદ્યતન બનાવાયુ છે. જ્યારે જેની લાઈટ, ટેક્સ, પાણીનો ખર્ચ યુનિ.એ ભોગવવાનો છે. અને અન્ય મેન્ટનન્સ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સાથે એમ.ઓ.યુ. કરવાની બાબતમાં નિયત કરેલ કમિટી જ સર્વોપરી રખાઈ છે. જે ગ્રાઉન્ડ કોને આપવું તે નક્કી કરશે. જેનું ભાડુ યુનિ.ને લેવાનું રહેશે. જ્યારે એસો.એ પોતાની મેચનું ભાડુ આપવાનું કે નહીં આપવાનું તેનો ઉલ્લેખ નથી. જેથી એમ.ઓ.યુ.ના કેટલાક મુદ્દાને લઈ પ્રક્રિયા ઘોચમાં પડેલી છે. તો પેવેલીયનનું મોટા ઉપાડે ખાતમુહુર્ત કરાયું પરંતુ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે જ જુનું પેવેલીયન મોજુદ છે. ત્યારે વધારાના ખર્ચ થતો હોવાનું ભાન રહી રહીને થઈ રહ્યું છે. આમ ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ કુલ ૪.૨૫ કરોડમાંથી ૧.૨૫ ના ખર્ચે ગ્રાઉન્ડ તૈયાર થયા બાદ બાકી રહેલ ૩.૨૭ કરોડમાંથી પેવેલીયન પાછળ વાપરવા બાંધકામને અગાઉ આદેશ થયો જે પેવેલીયનનો ખર્ચ અંદાજે ૧.૫૦ કરોડનો અંદાજ મુકાયો છે. અને ફરી આ બાબતને અટકાવવાની કાર્યવાહી ચાલી છે. જેના ઓપ્શનમાં અંતિમ ઘડીએ સીન્થેટીક ટ્રેક અને લોનટેનીસ રીનોવેશનની દરખાસ્ત થઈ. જો કે આ જરૂરિયાત વ્યાજબી છે. પણ છેલ્લા ઘડીએ વિચાર આવ્યો તે ગેરવ્યાજબી છે. ગ્રાન્ટની સમય મર્યાદા પૂર્ણ થવા આવી છે ત્યારે આ ઈ.સી.માં ગ્રાન્ટને વધુ ચાર મહિના રીવાઈઝ કરવા અન્યથા ખરા કે ખોટા નિર્ણયો લેવા મજબુર બનવું પડશે. બાંધાકામ વિભાગમાં પણ એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ સર્જાઈ છે. હજુ અટલ ઓડીટોરીયમની સ્ટેજ લાઈટીંગ માટે આર.એમ.બી.માંથી મંજુરી બાકી છે. રોડ રીપેરીંગ માટે ટી.એસ. મંજુરી બાકી છે. જ્યારે અગાઉના સમયમાં આર.સી.સી. રોડ માટે એસ્ટીમેન્ટ અને ટી.એસ. મેળવ્યા બાદ રૂસામાં સમાવેશ નહીં થતા પ્રોજેક્ટ પડતો મુકાયો હતો. એમ્ફી થીયેટર અને અટલ ઓડીટોરીયમ ઓવર હેડ કવરીંગનો પ્રોજેક્ટ પડતો મુકાયો. જ્યારે મલ્ટી પર્પઝ હોલ બનાવવા ૧૭માં હજુ છ કરોડ ઘટતા તે પ્રોજેક્ટ પણ પડતો મુકાયો છે. આમ મુંડે મુંડે મતિ ભિન્નની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ઈ.સી. મળી રહી છે ત્યારે એક મત અને પછેડી હોય તેટલી સોડતાણી નિર્ણયો કરવા જરૂરી બન્યો છે.