અલકાપુરી રેલવે ગરનાળા બ્રિજ બનતા ત્રણ વર્ષ થઈ જશે
અલકાપુરીથી ડેરીડેન થઈ, કાલાઘોડા થઈ જેલ રોડ સુધી સંયુક્ત બ્રિજ ૩૦૦ કરોડના ખર્ચે બનશે
વડોદરા, તા.28 વડોદરા મ્યુનિ. કોર્પો. દ્વારા અલકાપુરી રેલવે ગરનાળા પર રેલવે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. આ બ્રિજ રેલવે સાથે સંકલનમાં રહીને કરવામાં આવશે. આ બ્રિજ બનતા બેત્રણ વર્ષ થઈ જશે.
મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે હાલ બુલેટ ટ્રેનનું કામ ચાલુ છે. ગરનાળા પરથી બુલેટ ટ્રેન હાઈટ પરથી પસાર થવાની છે. જેની વચ્ચેથી આ બ્રિજ પસાર થશે. રેલવેએ તમામ ટેકનિકલ પાસા તપાસીને આ બ્રિજને ગઈ તા.૨૮ નવેમ્બરે મંજૂરી આપી છે. બ્રિજને અલકાપુરીથી ડેરીડેન થઈ કાલાઘાડો થઈ જેલ રોડ સુધી સંયુક્ત બ્રિજ ૩૦૦ કરોડના ખર્ચે બનાવવા આયોજન છે. ઓવરબ્રિજ ફોર લેન બનાવવા મંજૂરી આપતા સલાહકારને કામ સોંપ્યુ છે.
બજેટમાં ભાયલી સ્ટેશન તરફથી અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી કલાલી બ્રિજ તરફના રસ્તે ૯૦ કરોડનો ફાલી ઓવર, રેલવે વિભાગ સાથે કોસ્ટ શેરિંગ બેઝ પર ગોરવા કરોડિયાથી પૂર્વ તરફ છાણી રોડને જોડતા રસ્તા પર આવતા બાજવા - છાયાપુરી બાયપાસ લાઈન તથા વડોદરા ગોધરા લાઈન પર વોટર-વે નાળા પર રેલવે ઓવરબ્રિજ ૪૫ કરોડના ખર્ચે તથા અશ્વમેઘ એવન્યૂથી બ્રોડ વે પ્રાઈડ તરફ વરસાદી ચેનલ પર ૩ કરોડના ખર્ચે કલવર્ટ બનશે.