દ્વારકાના લાડવા ગામે વૃધ્ધની હત્યા તેના જ પુત્રએ કરી હોવાનું ખુલ્યું

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
દ્વારકાના લાડવા ગામે વૃધ્ધની હત્યા તેના જ પુત્રએ કરી હોવાનું ખુલ્યું 1 - image


જમીનના ભાગના પ્રશ્ને પિતાને માથામાં હથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા : ક્રાઈમ પેટ્રોલ સીરીયલ જોઈને બારીકાઇથી હત્યાનો પ્લાન બનાવ્યો પણ કામ ન લાગ્યોઃ PGVCLના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશીયન પુત્રની અટકાયત

ખંભાળિયા, દ્વારકા, :  દ્વારકા તાબેના લાડવા ગામે તા. 4 ના રોજ રાત્રિના સમયે ખેતરમાં સુતેલા વૃધ્ધની બોથડ પદાર્થ વડે ઘાતકી હત્યા નીપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ મૃતકના પુત્ર દ્વારા મિલકતની લાલચમાં પોતાના પિતાની ઘાતકી હત્યા નિપજાવ્યાનું ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે આરોપી એવા પીજીવીસીએલના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશીયન પુત્રની અટકાયત કરી લીધી છે.

આ સમગ્ર બનાવની વિગત મુજબ દ્વારકા નજીક આવેલા લાડવા ગામની સીમમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા મોહનભાઈ ભીમાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષની ઉંમરના વૃદ્ધ ગત તારીખ 4 જુલાઈના રોજ પોતાના ખેતરમાં રખોપું કરવા માટે રાત્રિના સમયે સૂતા હતા. ત્યાર બાદ બીજા દિવસે તેમનો લોહી નીતરતો મૃતદેહ ખાટલા પરથી સાંપળ્યો હતો. જે અંગે મૃતકના પુત્ર સતીશ મોહનભાઈ સોનગરાની ફરિયાદ નોંધણી દ્વારકા પોલીસે આરોપીને ઝડપી લેવા માટે વિવિધ દેશોમાં તપાસ આરંભી હતી.પોલીસે પરિવારના સભ્યોેની પૂછપરછ કરતા તેમાં  મૃતક મોહનભાઈનો મોટો પુત્ર રાજેશ કે જે પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિશીયન તરીકે ફરજ બજાવે છે. તેની તરફ શંકાની સોઇ મજબૂત બની હતી.અને આગવી ઢબે પૂછપરછ કરતા પોપટ બનીને તેમણે પોતાના પિતાની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો

આ પ્રકરણમાં પોલીસ દ્વારા વધુ જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આરોપી પોતાના પિતાને હેરાન પરેશાન કરવાના આશયથી અવારનવાર તેમના ઘર નજીક રોડ પર જઈ અને સ્ટ્રીટ લાઇટ બંધ કરી દેતો હતો. આટલું જ નહીં, તેમના પર ઘર પર પથ્થરના ઘા પણ ફેંકતો હતો. આ કૃત્યનું મૂળ એ હતું કે આરોપી રાજેશ દલવાડીને પોતાના પિતા પાસે જમીનમાંથી ભાગ જોઈતો હતો અને અવારનવાર ભાગની માંગણી પણ કરતો હતો. 

 આખરે પોતાનો મલીન ઇરાદો પૂર્ણ કરવા તે ૪-૫ દિવસથી મોઢે માસ્ક પહેરીને પોતાના પિતાની રેકી કરતો હતો.દરમિયાન આરોપી રાજેશના ધ્યાને આવ્યું હતું કે તા.૪ ના રોજ પોતાના પિતા મોહનભાઈએ ખેતરમાં વાવણી કરી હોવાથી રાત્રિના સમયે તેઓ ખેતરનું રખોપું કરવા જવાના હોવા અંગેની માહિતી તેમને મળી હતી. આથી રાજેશે પ્લાન બનાવી અને પોતે ત્યાં આવેલા મંદિરના દર્શન કરવાના બહાને જઈ ખેતરે પોતાના ઈલેક્ટ્રીકના અનુભવથી મેઈન લાઈનના ટી.સી. એ જઈ અને લાઈન કટ કરી, ખેતરે જઈને વાડીના ઝાટકાના વાયર કાપીને મોહનભાઈને જગાડયા હતા.અહીં આવ્યા પૂર્વે પોતે પહેરેલો શર્ટ તથા બાઈક બદલાવીને છૂપી રીતે પ્રવેશ કરીને અહીં તેણે કંઈ પણ પૂછપરછ કર્યા વગર પોતે પોતાના ઘરેથી સાથે લઈને આવેલ લોખંડની હથોડીથી મોહનભાઈના માથાના ભાગે મારી અને તેમનું મૃત્યુ નિપજાવી દીધું હતું. હત્યા નિપજાવ્યા બાદ તેણે રસ્તામાં હથોડી પાણીથી ધોઈને ઘરે પરત આવી જઈ, પોતાના કપડા ધોઈ નાખ્યા હતા.

 બાદમાં વહેલી સવારના સમયે પોતે કોઈને શંકા ન જાય તે માટે બસ મારફતે જામનગર પહોંચી અને બપોરના સમયે પોતાને જાણ થતા તે પરત આવી, સામાન્ય રીતે વર્તન કરવા લાગ્યો હતો. ઘણા સમયથી યુટયુબ પર ક્રાઈમ પેટ્રોલ સીરીયલ જોઈને પોતે પોલીસથી બચવા માટે કેવા કેવા કાવતરા ઘડવા તે જોતો હતો અને તે મુજબ પોતે કોઈ પુરાવાઓ ન છોડે તે માટે ખૂબ બારીકાઈથી પ્લાનિંગ કરી આ બાબતને અંજામ આપ્યો હતો.ફૂલ પ્રૂફ પ્લાનિંગ વચ્ચે પોલીસ દ્વારા તેની કરવામાં આવેલી પૂછતાછના પ્રશ્નોની આંટીમાં આવી અને આખરે પોલીસ સમક્ષ પોતાના ગુનાની કબુલાત આપી હતી.પોલીસે તેની ધરપકડ કરી હતી.જર, જમીન અને જોરૂ, આ ત્રણેય કજીયાના છોરૂં-યુક્તિને યથાર્થ કરતા હત્યાના ઉપરોક્ત બનાવનો ભેદ ટૂંકા સમયગાળામાં ઉકેલવા પોલીસને સફળતા મળી હતી


Google NewsGoogle News