Get The App

ક્રિકેટરોને પણ હોટલથી એરપોર્ટ પહોંચતા પોણો કલાકનો સમય થયો

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
ક્રિકેટરોને પણ હોટલથી એરપોર્ટ પહોંચતા પોણો કલાકનો સમય થયો 1 - image


રાજકોટથી એરપોર્ટ 35 કિ.મી.દૂર, વચ્ચે રસ્તા ભંગાર, ટ્રાફિક જામ  : આમ નાગરિકોને તો વધુ સમય લાગે,રાજકોટ-હીરાસર સમર્પિત પથની તાતી જરૂર, ભારતીય ટીમની ચાર્ટર્ડ ફ્લાઈટ પણ મોડી હતી

 રાજકોટ, : રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે વન-ડે મેચ બાદ આજે બન્ને ટીમના ક્રિકેટરો  સવારે કાઠીયાવાડી ફાફડાં,જલેબી સહિતનો નાસ્તો કરીને રવાના થયા હતા. પરંતુ, હોટલથી એરપોર્ટ પહોંચવા રસ્તો ક્લીયર કરાવવા ખાસ કોન્વોય છતાં તેમણે પણ પોણાથી એક કલાક વહેલું નીકળવું પડયું હતું. 

અગાઉ એરપોર્ટ ખાતે કોઈ વી.આઈ.પી.કે લોકપ્રિય ચહેરાનું આગમન થાય કે  વિદાય થાય ત્યારે ચાહકોની ભીડ જામતી તે દ્રશ્યો પણ રાજકોટના એરપોર્ટનું શહેરથી ૩૫ કિ.મી.દૂર સ્થળાંતર થયા પછી ભૂતકાળ બની ગયા છે. આ પહેલા કેન્દ્રીય મંત્રીને પણ એરપોર્ટ ઉતરાણ પછી રાજકોટમાં આવતા પોણો કલાકનો સમય લાગ્યો હતો. જ્યારે કોમનમેનને તો એકથી દોઢ કલાકનો સમય લાગે છે. રાજકોટ-અમદાવાદ સિક્સલેનનું કામ મંથર ગતિએ ચાલતું હોય રાજકોટથી હીરાસર એરપોર્ટ વચ્ચે નવાગામ, કુવાડવા સહિતના સ્થળે અત્યંત ભંગાર અને ટ્રાફિક જામ વાળા રસ્તે પસાર થવું પડે છે ત્યારે લોકોમાં હવે એરપોર્ટ જવા ડેડેકેટેડ રોડ (સમર્પિત પથ) બનાવવાની માંગ તીવ્ર બની છે. 

દરમિયાન, બન્ને દેશોની ક્રિકેટ ટીમ માટે  ચાર્ટર્ડ ફ્લાઈટ હતી પરંતુ, બન્નેને અલગ અલગ સ્થળે જવાનું હતું જેમાં ભારતીય ટીમનું ખાસ વિમાન પણ મોડુ પડયું હતું અને ક્રિકેટરોએ એરપોર્ટ પર વધુ રોકાણ  કરવું પડયું હતું જેનો લાભ કેટલાક ક્રિકેટરસિકોએ સેલ્ફી લેવા માટે લીધો હતો. આ અંગે એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું કે અમારા તરફથી કોઈ ફ્લાઈટ લેટ થઈ નથી.


Google NewsGoogle News