રોકાણની લાલચ આપી આઇટી એન્જિનિયરને ૩૧ લાખનો ચૂનો
સાઇબર ગઠિયાઓનો આતંક યથાવત
ડેટિંગ એપ પર યુવતીનું નામ ધારણ કરીને વિશ્વાસ કેળવી રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા ઃ સાઇબર પોલીસની તપાસ
ગાંધીનગર : હાલમાં સાયબર ક્રાઇમ વધી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં રહેતા આઈટી એન્જિનિયરને ડેટિંગ એપ ઉપર યુવતીનું નામ ધારણ કરી ગઠિયાએ રોકાણની લાલચ આપીને તબક્કાવાર ૩૧ લાખ જેટલું રોકાણ કરાવડાવીને છેતરપિંડી આચરી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે અને
તેમાં સાયબર ગઠિયાઓ દ્વારા મહિલાઓ યુવાનો અને વૃદ્ધોને નિશાન બનાવવામાં આવી રહ્યા
છે. શિક્ષિત વ્યક્તિઓ પણ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે ત્યારે આ વખતે
ગાંધીનગર શહેરના સેક્ટર ૩માં રહેતા અને આઇટી એન્જિનિયર તરીકે કામ કરતા યુવાન ધવલ
ભરતભાઈ કુંતરને સાઇબર ગઠિયાઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. જે અંગે મળતી વિગતો
પ્રમાણે દિલ મિલ નામની ડેટિંગ એપ ઉપર યુવાને એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તે
દરમિયાન શેરિંગ નામની યુવતીનું નામ ધારણ કરીને સાયબર ગઠિયાઓએ વાતચીત કરી રોકાણ
કરવાની લાલચ આપીને પ્રથમ તબક્કે ૨.૪૫ લાખ રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને
ત્યારબાદ ટેલિગ્રામ ઉપર પણ વાત કરીને અન્ય રૃપિયા ટ્રાન્સફર કરાવી કુલ ૩૧ લાખ
જેટલી રકમ ભરાવડાવી હતી. જોકે આ રકમ અને નફો પરત મેળવવા જતા તેમને રૃપિયા પરત
મળ્યા ન હતા અને છેતરાયાનો અહેસાસ થયો હતો. જેથી આ સંદર્ભે ગાંધીનગર રેન્જ સાયબર
ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને સાયબર ગઠિયાઓને પકડવા
માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.