આફ્રિકા બેઠેલા ઇશાકના ડ્રગ્સનું નેટવર્ક સંભાળનારની ધરપકડ
વેરાવળથી ઝડપાયેલા 350 કરોડના હેરોઇનના કેસમાં : જામનગરના બેડેશ્વરમાં રહેતા અને દેખાડા ખાતર ઇલેક્ટ્રીશ્યન તરીકે કામ કરતાં અલ્લારખા સુમારીયા 6 દિવસના રિમાન્ડ પર
રાજકોટ, : વેરાવળના નલીયા ગોદી વિસ્તારમાંથી ગઇ તા. 23 ફેબુ્રઆરીના રોજ ગીર સોમનાથ એલસીબી અને એસઓજીએ સાથે મળી 350 કરોડનું હેરોઇન ઝડપી લઇ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને ઇલેક્ટ્રિશ્યન તરીકે કામ કરતા અલ્લારખા ઉર્ફે દાદો અબ્બાસભાઈ સુમારીયા (ઉ.વ. 28)નું નામ ખૂલતા તેની પણ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે.
જે તે વખતે ગીર સોમનાથ એલસીબી અને એસઓજીએ ત્રણ આરોપી આસીફ સમા, અરબાઝ પમા (રહે. બંને જામનગર) અને ટંડેલ ધર્મેન કશ્યપ (રહે. યુપી)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લીધા હતા. અગાઉ તપાસમાં આ હેરોઇનનો જથ્થો જામનગરના જોડિયા તાલુકાનાં ઇશાક ઉર્ફે મામો હુસેન રાવએ મંગાવ્યાનું ખુલ્યું હતું. એટલુ જ નહીં હાલમાં તે દક્ષિણ આફ્રિકાથી ડ્રગ્સનું નેટવર્ક સંભાળતો હોવાની માહિતી પણ બહાર આવી હતી.
અગાઉ ઝડપાયેલા આરોપી આસીફ અને અરબાઝે એવી કબૂલાત આપી હતી કે ઇશાક ઉર્ફે મામાના ડ્રગ્સના નેટવર્કનું લોકલ લેવલે અલ્લારખા હેન્ડલીંગ કરે છે. આ માહિતીના આધારે ગીર સોમનાથ એસઓજીએ તેને પણ ઝડપી લીધો હતો. આ પ્રકરણની તપાસમાં આગામી દિવસોમાં વધુ કેટલાક શખ્સોની ધરપકડ થાય તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે ઓમાન નજીકથી મૂર્તુજા અને તેના શેઠ અરબાબે હેરોઇનનો આ જથ્થો વેરાવળ આવતી બોટ મારફત મોકલ્યાનું બહાર આવ્યું છે. જ્યારે હેરોઇનનો આ જથ્થો મંગાવનાર તરીકે મૂળ જામનગરના જોડિયા તાલુકાના ઇશાક ઉર્ફે મામાનું નામ ખૂલ્યું છે. અત્યાર સુધીમાં આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે.