ઈસનપુરમાં કિન્નરોએ જ કિન્નરોને માર મારીને લૂંટી લીધા
તું અમારી પાર્ટીમાં માંગવા નહિ આવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
કિન્નરે બે કિન્નર સહિત એક શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી
Image - elements.envato |
અમદાવાદ, તા.20 એપ્રિલ-2023, ગુરુવાર
ઈસનપુરમાં કિન્નરોના બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં કિન્નરે કહ્યુ કે કાલથી તું મારી પાર્ટીમાં માંગવા આવી જજે તારે બીજે ક્યાંય માંગવા જવાનું નહિ કહીને બે કિન્નરો સહિત એક શખ્સે બે કિન્નરોને માર મારીને લૂંટી લીધા હતા. તેમજ તું અમારી પાર્ટીમાં માંગવા નહિ આવે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ અંગે કિન્નરે એક શખ્સ સહિત બે કિન્નરો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
જમાલપુરમાં રહેતા કિન્નર ચાંદનીદે પાવૈયા યજમાનવૃતિનું કામકાજ કરે છે. જેમાં ગત 19 એપ્રિલે બપોરના સમયે તે મુસ્કાનદે રીક્ષામાં બેસીને વટવા જતા હતા તે દરમ્યાન ગોવિંદવાડી પાસે ચાંદનીદેની કામ હોવાથી તેમણે રિક્ષા ઉભી રખાવી હતી. આ દરમ્યાન એક રિક્ષામાં સંજય વ્યાસ, કામીનીદે અને સેજલદે નામના કિન્નરો તેમની પાસે આવ્યા હતા અને કામીનીદે કહ્યુ કે કાલથી તું મારી પાર્ટીમાં માંગવા માટે આવી જજે તારે બીજે ક્યાંય માંગવા જવાનું નહિ તેમ જણાવીને ત્રણેય જણાએ ચાંદનીદેની માર માર્યો હતો. જ્યારે મુસ્કાનદે છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. આટલું જ નહિ ત્રણેય જણાએ બંનેને માર મારીને સોનાની બુટ્ટી સહિત રોકડા રૂ. 7 હજાર લૂંટી લીધા હતા. તે સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થતા ત્રણેય કિન્નરો કાલથી તું મારી પાર્ટીમાં માંગવા નહિ આવે તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. આ અંગે ચાંદનીદેએ ત્રણેય સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.