આજે વિશ્વ માતૃભાષા દિવસઃ ભાષા ગુજરાતી પણ શબ્દો અંગ્રેજી, બ્રિટિશકાળની ભાષાની ગુલામીમાંથી ક્યારે મળશે આઝાદી
World Mother Language Day : આજે રજતજયંતિ વર્ષમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થશે. ઈ.સ.1952માં આજના દિવસે ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બાંગ્લા ભાષાને માન્યતા માટે જંગ છેડયો હતો અને વર્ષો બાદ 2002માં યુનોએ દર વર્ષે માતૃભાષા દિવસ ઉજવવા ઠરાવ કર્યો હતો. ગુજરાતની માતૃભાષામાં ગુજરાતી છે એ બધાને ખબર છે પરંતુ, જાણતા અજાણતા દૈનિક જીવનમાં પણ અંગ્રેજી શબ્દપ્રયોગ કે જેમાં વાતચીત એટલી અસરકારક ભાવથી થતી નથી છતાં આધુનિક અને ભણેલા દેખાડવા માટે કરાય છે.
સંસદમાં તાજેતરમાં વધુ એક વાર, તા. 7-2-2025 ના કાયદા અને ન્યાય મંત્રીએ રાજ્યની ઉચ્ચ અદાલતો (અંગ્રેજીમાં હાઈકોર્ટ)માં વૈકલ્પિક ભાષાના ઉપયોગ અંગે એક પ્રશ્નનો વિસ્તૃત ઉત્તર આપ્યો હતો.જેમાં સરકારે જણાવ્યું કે ભારતના બંધારણના અનુચ્છેદની ક. 348 (1) (A) મૂજબ આ ન્યાયાલયોમાં દરેક પ્રક્રિયા અંગ્રેજી ભાષામાં કરવાની હોય છે.
જોકે આમ છતાં સત્તાવાર કામકાજમાં રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિની પૂર્વ મંજુરી સાથે અન્ય ભાષાનો ઉપયોગ કરાવી શકે છે. દેશમાં ઉત્તરપ્રદેશની વડી અદાલતમાં 1969માં, મધ્યપ્રદેશમાં 1971માં અને બિહારમાં 1972માં ઉચ્ચ અદાલતોમાં હિન્દી ભાષાને સત્તાવાર કરાઈ છે. હાલ, ગુજરાત સહિત બાકીના રાજ્યોમાં અંગ્રેજી ભાષા છે જેના કારણે અરજદારોએ વકીલોનો ઉપયોગ કાનુની જોગવાઈ જાણવા જ નહીંપરંતુ, ભાષાંતર માટે પણ જરૂરી બન્યો છે.
રાજકોટના મહાનગરપાલિકાના કમિશનર (ગુજરાતી નથી થતું પણ હિન્દીમાં આયુક્ત) સરકારી સહાયથી ચાલતી શાળામાં ભણ્યા છતાં ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી બન્યા છે. પરંતુ, મહાપાલિકાનું ચાલુ વર્ષનું અંદાજપત્ર જે બજેટ નામથી જાહેર થયું તેમાં તેનો બે શબ્દમાં આપેલ મધ્યવર્તી વિચાર પણ ગુજરાતી ભાષાને બદલે અંગ્રેજીમાં લિવેબલ રાજકોટ આપ્યો છે.
ખુદ પદાધિકારીઓના જારી થતા નિવેદનોમાં યોજના વગેરે માટે બીનજરૂરી અંગ્રેજી શબ્દોનો પ્રયોગ થાય છે. રાજકોટમાં જ્યુબિલી એ ગુલામી કાળમાં ઈંગ્લેન્ડના મહારાણીના જ્યુબિલી વર્ષમાં નામ પડયું તે આજે પણ ચાલે છે. કોઈ રસ્તાના નામ પછી માર્ગ નહીં, રોડ લાગે છે અને પૂલ કે સેતુને બદલે બ્રિજ જ વપરાય છે. કેકેવી જેવું કોઈ નામ પડયું નથી છતાં તે ચોકને અપાયેલું છે.
ગ્રામ્ય વિસ્તારનું કાર્યક્ષેત્ર ધરાવતી જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિમાં થતી દરખાસ્તો તો હદ કરે છે. માર્ગની જાળવણી અને મરમ્મતને બદલે દરખાસ્તમાં શબ્દ લખાય છે- રીપેર એન્ડ મેઈન્ટેનન્સ વર્ક ફોર માઈનોર ઈરીગેશન,બ્રિજ વગેરે....અર્થાત્ લિપિ ગુજરાતી વાપરે પણ શબ્દો અંગ્રેજીના! વળી, આ શબ્દો એવા છે કે તેનું સુગમ ગુજરાતી ભાષાંતર સંભવ છે અને તે બધાને સમજાય અને ઝડપથી ગળે ઉતરે તેવું હોય છતાં અંગ્રેજી શબ્દો ચાલે છે.
કમસેકમ,પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતી ભાષા કે જે બાળકના વિચારમાં,મગજમાં,હૃદયમાં સહજ અંકિત હોય છે તેમાં અપાય તો તેનો મૌલિક વિકાસ (માત્ર ટકાવારી નહીં) વધુ સારો થઈ શકે તેવો એક મત છે. વૈશ્વિક ભાષા તરીકે અને પ્રચલિત હોવાના કારણે અંગ્રેજીનું શિક્ષણ જરૂરી છે અને ઘણા સ્કૂલમાં અંગ્રેજી ભણ્યા વગર અંગ્રેજી બોલતા હોય છે. દક્ષિણના અનેક રાજ્યોમાં આજે મોટાભાગની દુકાનો ઉપર સ્થાનિક માતૃભાષામાં લખાયેલા બોર્ડ હોય છે પરંતુ, ગુજરાતના મોટા શહેરોમાં તો હવે અંગ્રેજી શબ્દો અને લગ્ન સહિતના આમંત્રણ પણ અંગ્રેજીમાં આપવાનું સહજ થઈ ગયું છે. અને આમ છતાં આજે માતૃભાષા દિન મનાવાશે.