આજથી નવલાં નોરતાં શરૂ ,સૌરાષ્ટ્માં ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં થનગનાટ
મહાકાળીને કલ્યાણી રે મા જ્યાં જોઉં ત્યાં જોગમાયા.... જુદા જુદા ગરબી મંડળોએ બે માસ સુધી કરાવેલી રાસગરબાની તાલીમ હવે મેદાનમાં દ્રશ્યમાન થશે : નાની નાની બાળાઓ જોગમાયા સ્વરૂપે ગરબે ઘૂમશે
રાજકોટ, : હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે ..આજથી નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. સવારથી જ ઘટસ્થાપન અને માતાજીના ગુણગાન શરૂ થયા છે. આસુરી શકિત પર વિજય મેળવવા અને દૈવિશકિતને પ્રબળ બનાવવા જુદા જુદા અનુષ્ઠાનો થશે. ભૂદેવો શક્રાદય સ્તુતિ સહિતની સ્તુતિઓ સાથે ચંડી પાઠ કરશે. ઠેરઠેર હોમ હવન અને માતાજીના ગરબાઓ ગાઈ આદ્યશકિતની આરાધના કરાશે. જુદા જુદા ગરબી મંડળોએ આગળના બે માસથી શરૂ કરાવેલી ગરબીની પ્રેકટિસ હવે મેદાનમાં દ્રશ્યમાન થશે. નાની નાની બાળાઓ જોગમાયા સ્વરૂપે ગરબે ઘૂમશે. તો પ્રાચીન અર્વાચીન ગરબાઓ સાથે ખેલૈયાઓ ગરબાની રાસની રમઝટ બોલાવશે.
ગોંડલ ભુવનેશ્વરી પીઠ, આશાપુરા મંદિર,* હર્ષદ ગાંધવી ગામે આવેલા હરસિદ્ધિ માતાજી સહિતના સૌરાષ્ટ્માં આવેલા માઈસ્થાનોમાં આદ્યાત્મિક આરાધનોનો દોર શરૂ થશે. હવનાષ્ટમી દશેરાના દિવસે હોમ હવન સહિતના આયોજન થયા છે. * દરિયાકાંઠે આવેલા હર્ષદ માતાજીના મંદિરે તા.૪ શુક્રવારેથી રોજ રાતે આઠથી બાર સુધી ગરબાઓ ગવાશે. જેમાં સૌરાષ્ટ્રના નામી કલાકારો મુક્ત કંઠે ગરબા ગાશે. * કોટડાસાંગાણીમાં વર્ષોથી બાલિકા ગરબી આકર્ષણ જમાવી રહી છે. જેને આખરી ઓપ અપાઈ ગયો છે.