Get The App

વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓના ફાંફા અને ડીનો- અધિકારીઓ માટે લાખોના આઈપેડ ખરીદાયા

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓના ફાંફા અને ડીનો- અધિકારીઓ માટે લાખોના આઈપેડ ખરીદાયા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે પણ મોરચા કાઢીને રજૂઆત કરવી પડે છે.કોમર્સ જેવી ફેકલ્ટીઓમાં કૂલર અને આરઓ રિપેર નહીં થતા હોવાથી પીવાના પાણીના પણ ફાંફા છે અને બીજી તરફ વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે યુનિવર્સિટીના તમામ ડીનો અને અધિકારીઓને આઈપેડની લ્હાણી કરી છે.જેના માટે લાખો રુપિયાનો ધૂમાડો કરવામાં આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે ફેકલ્ટી ડીનો અને હેડ ઓફિસમાં બેસતા અધિકારીઓ પેપરલેસ કામ કરે  તેવું કારણ આગળ ધરીને યુનિવર્સિટી દ્વારા ૨૫ જેટલા લેટેસ્ટ આઈપેડ ખરીદવામાં આવ્યા છે.આ ઉપરાંત તમામ ફેકલ્ટીઓના ડીનોની કેબિનમાં મૂકવા માટે ૫૫ ઈંચના ૨૦ જેટલા ટીવી પણ લેવામાં આવ્યા છે.સૂત્રોનું કહેવું છે કે, કુલ મળીને ૧૨ થી ૧૫ લાખ રુપિયાનો ખર્ચ આ માટે કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ એક તરફ પ્રાથમિક સુવિધા માટે પણ ફાંફા મારે છે ત્યારે ડીનોને આઈપેડ આપીને હાઈટેક બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.જે વિદ્યાર્થીઓની ક્રુર મશ્કરી સમાન છે.

એવી પણ જાણકારી સામે આવી છે કે, જે ટીવી ખરીદવામાં આવ્યા છે તે છેલ્લા બે મહિનાથી ઈન્સ્ટોલેશન થયા વગર પડી રહ્યા છે.ખરીદી બાદ તેને ઈન્સ્ટોલ કરવાની કે ચાલુ કરવાની કોઈ પરવા સત્તાધીશોએ કરી નથી.

બીજી તરફ યુનવિર્સિટીના ઈન્ચાર્જ પીઆરઓને આ બાબતે પૂછતા તેમણે કહ્યું હતું કે, અગાઉના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસે ડીનોને લેપટોપ આપ્યા હતા અને તે હવે જૂના થઈ ગયા હોવાથી આઈપેડ ખરીદીને ડીનોને આપવામાં આવ્યા છે. દરેક ફેકલ્ટીમાં ડીન સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરી શકે તે માટે ટીવી ખરીદવામાં આવ્યા છે.


ipadMSU

Google NewsGoogle News