કાસમઆલા ગેંગની ગંભીર પ્રકારના ૧૬૪ ગુનાઓમાં સંડોવણી
ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચારની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ
વડોદરા,શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં કાસમઆલા ગેંગે ધાક ઉભી કરવા માટે ગુનાખોરી શરૃ કરી હતી. ગુજસીટોક હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે.
શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નામચીન ગુનેગાર અસલમ બોડીયાની બિચ્છુ ગેંગ ના ૨૬ સાગરીતો સામે ગુજસીટોક હેઠળ વડોદરામાં પ્રથમ ગુનો નોંધ્યા બાદ કારેલીબાગના માથાભારે હુસેન સુન્ની અને તેની ગેંંગના ૯ સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ૫ જણાની અટકાયત કરી હતી. ખૂનની કોશિશ, અપહરણ, ચોરી, લૂંટ, ધાડ, બળજબરીથી પડાવી લેવું, જાનથી મારી નાંખવાની ધમકી આપવી, ચોરી, મારામારી, જેવા ગંભીર પ્રકારના ૧૬૪ ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા હતા. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હુસેનમીંયા કાદરમીંયા સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન) (૨) અકબર કાદરમીંયા સુન્ની (રહે. હુજરત પાગા) (૩) મોહંમદઅલી ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ (રહે. મનસુરી કબ્રસ્તાન) તથા સિકંદર કાદરમીંયા સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન) ખૂનની કોશિશના ગુનામાં જેલમાં હતા. ચારેય આરોપીઓની પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરી છે.