MPમાં પકડાયેલી પ્રતિબંધિત દવાઓનો તપાસનો રેલો વડોદરા પહોંચ્યો, ટેબલેટ્સ અને સીરપનો જથ્થો કબજે
Vadodara News : મધ્યપ્રદેશમાં પકડાયેલી પ્રતિબંધિત દવાઓની તપાસનો રેલો અમદાવાદ અને ભાવનગર થઈ વડોદરા સુધી પહોંચ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને પોલીસે સંયુક્ત દરોડો પાડી સીરપ તેમજ ટેબલેટ્સનો મોટો જથ્થો કબજે કરી એક વ્યક્તિની અટકાયત કરી છે.
ડોક્ટરના પ્રિસ્ક્રિપશન દ્વારા મળતી કોડિન સીરપનું ઉત્પાદન કરતી મધ્યપ્રદેશની ક્લોરોફિલ્સ બાયોટેક કંપનીમાં દિલ્હીના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને મધ્યપ્રદેશ પોલીસે દરોડો પાડી પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો સિઝ કર્યો હતો.
આ પ્રકરણની તપાસ અમદાવાદ તેમજ ભાવનગર પહોંચી હતી. જેમાં એનસીબી દ્વારા બંને શહેરોમાંથી એક એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી તેમજ અમદાવાદમાંથી બે દિવસ પહેલા અઢી લાખ ટેબલેટ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
એમપીની કંપનીનું ગોડાઉન વડોદરાના રાવપુરા વિસ્તારમાં ઘીકાટા રોડ ઉપર આવેલું હોવાની વિગતોને પગલે એનસીબી દ્વારા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી ગઈ રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી કોડીન સીરપની 850 બોટલ તેમજ ટ્રમાડોલની 15,300 ટેબલેટ્સ કબ્જે કરી હતી. ટીમે એક વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.