પૂજા ખેડકર બાદ ગુજરાતમાં એક મહિલા IASનું વિકલાંગ સર્ટિફિકેટ શંકાસ્પદ હોવાના દાવાથી હડકંપ
Disability Certificates of Gujarat IAS Officers: મહારાષ્ટ્રના મહિલા આઇએએસ અધિકારી પૂજા ખેડેકરના વિવાદ પછી ગુજરાતમાં પણ રાજ્ય સરકારે ચારેક આઈએએસ અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રની ચકાસણી કરવા આદેશ કર્યો છે. દરમિયાન, એવી ચર્ચાએ જોર પકડયુ છે કે, સૌરાષ્ટ્રના એક મહિલા અધિકારી પણ ફિઝિકલ હેન્ડીકેપ સર્ટીફિકેટ આધારે આઈએએસ બન્યા છે.
ગુજરાત સરકાર દ્વારા વિકલાંગતા પ્રમાણપત્રની ચકાસણી શરૂ
ગુજરાત કેડરના મહિલા આઈએએસ કોઇપણ રીતે પહેલી નજરે વિકલાંગ હોય તેમ દેખાતુ નથી. આ મુદ્દો હાલ સોશિયલ મીડિયામાં, અખબારી માધ્યમોમાં વાયરલ થયો છે જો કે એની કોઈ અધિકૃત પુષ્ટી કે ઈનકાર થયો નથી.
ગુજરાત સરકારે ચારેક આઈએસએસ-આઈપીએસના વિકલાંગતા પ્રમાણપત્રની ચકાસણી શરૂ કરી છે ત્યારે વર્ષ 2017ની બેચના ગુજરાત કેડરના એક મહિલા આઈએએસ હાલ ચર્ચામાં છે.
સરળતાથી બોલતા સાંભળતા હોવા છતાંય બહેરા કરા સા મૂંગાની અનામત કેટેગરીમાં સ્થાન
નવાઈની વાત તો એ છે કે, આ મહિલા આઈએએસ ફિઝિકલ હેન્ડિકેપ્ડ કેટેગરીમાં બહેરા-મુંગા તરીકે અનામત કેટેગરીમાં પસંદગી પામ્યા હતાં. વાસ્તવમાં આ અધિકારી સરળતાથી બોલે છે અને સાંભળી શકે છે. તેમને કોઈ પણ પ્રકારની વિકલાંગતા જણાતી નથી. આમ છતાંય તેમને ફિઝિકલ હેન્ડીકેપની અનામત કેટેગરીમાં સ્થાન મળ્યુ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.
આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસનો કહેર, 5 બાળકોનાં મોત, વધુ 13 મામલા સામે આવતા કુલ શંકાસ્પદ કેસ 84 થયા
મહિલા અધિકારીનો સંપર્ક થઇ શક્યો નહી
આ સમગ્ર મામલે કથિત-ચર્ચિત મહિલા અધિકારીને ફોન-મેસેજ કરી સંપર્ક કરવામાં આવ્યો પણ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. આ મુદ્દે રાજ્ય સરકારના ટોપના અધિકારીઓ પણ જવાબ આપવાને બદલે મૌન રહેવાનું પસંદ કર્યું હતું
વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ આ મુદ્દે આઈએએસના પ્રમાણપત્રોની કે ચકાસણી કરવા માંગ કરી હતી જેથી દૂધનુ દુધને પાણીનું પાણી થઇ જાય.