બાંટવા પાસેથી 1.15 કરોડની મતાની લૂંટનાં પ્રકરણમાં 9 ટીમ દ્વારા તપાસ

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
બાંટવા પાસેથી 1.15 કરોડની મતાની લૂંટનાં પ્રકરણમાં 9 ટીમ દ્વારા તપાસ 1 - image


ડોગ પણ 100 મીટર આસપાસ આંટા મારતો રહ્યો : અમદાવાદની જવેલર્સ કંપનીના સેલ્સમેનને છરી બતાવી 3 શખ્સ ફરાર : પોલીસ દ્વારા તમામ પાસાઓની ચકાસણી પરંતુ આરોપીઓના કોઈ સગડ ન મળ્યા

જૂનાગઢ, : અમદાવાદની જવેલર્સ કંપનીના બે સેલ્સમેન ગતરાત્રીના કુતિયાણાથી બાંટવા તરફ આવી રહ્યા હતા ત્યારે રફાળા પાટિયા નજીક હવા ઓછી થતા કાર ઉભી રાખતા ત્યાં ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને એક સેલ્સમેનને છરી મારી કારમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 1.15 કરોડની લૂંટ કરી નાસી ગયા હતા. આ અંગે ફરિયાદ થતા પોલીસની નવ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આજે ડોગ બનાવ સ્થળની આસપાસ જ આંટા મારતો રહ્યો હતો. પોલીસે તમામ પાસાઓ અંગેની ચકાસણી શરૂ કરી છે, પરંતુ આજે સાંજ સુધી આરોપીઓના કોઈ સગડ મળ્યા ન હતા.

આ અંગેની વધુ વિગત મુજબ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અને માણેકચોકની  કલા ગોલ્ડ ફેકટરીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા યાજ્ઞિાકભાઈ ધર્મેન્દ્રભાઈ જોશી (ઉ.વ. 33) અને અન્ય સેલ્સમેન ધનરાજભાઈ ભાંગડે ગત તા. 31ના સોના ચાંદીના દાગીનાનો સ્ટોક લઈ અમદાવાદથી નીકળ્યા હતા. મહેસાણા, લીંબડી થઈ આ બંને સેલ્સમેન તા. 3ના જૂનાગઢ આવ્યા હતા. ગઈકાલે તેઓ જૂનાગઢથી માણાવદર ગયા હતા. માણાવદરના એક વેપારીને એક વીંટી આપી હતી, બાકી પેમેન્ટ 2.46 લાખ લઈ કુતિયાણા ગયા હતા. કુતિયાણા વેપારીઓને મળી તેઓ બાંટવા પરત આવવા નીકળ્યા હતા.પાજોદ બાંટવા વચ્ચે કારના ટાયરમાં હવા ઓછી થઈ જતા ડેશ બોર્ડ પર એરર આવતા રફાળા ગામના પાટિયા પાસે કાર ઉભી રાખી હતી. યાજ્ઞિાકભાઇ ડેકીમાંથી ટાયર કાઢતા હતા અને ધનરાજભાઈ જેક ચડાવી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા એક શખ્સે શુ કરો છો એમ કહી ગાળો આપી ધનરાજભાઈ સાથે ઝપાઝપી કરી પીઠના ભાગે છરી મારી દીધી હતી. આ દરમ્યાન બે અન્ય શખ્સે આવી  છરી બતાવી કારમાં બેસી જવા કહી કારમાં રહેલુ 1697 ગ્રામ સોનાના દાગીના, આઠ કિલો ચાંદી અને 2.66 લાખ રોકડા મળી કુલ 1.15 કરોડથી વધુની કિંમતનો મુદામાલ લૂંટ કરી બંને સેલ્સમેનના ફોન તોડી બાંટવા તરફ નાસી ગયા હતા.

યાજ્ઞિાકભાઈ અને ધનરાજભાઈએ બુમાબુમ કરતા પસાર થયેલા એક કારચાલકે પોલીસને જાણ કરી હતી. પોલીસે નાકાબંધી કરાવી હતી. આ અંગે જાણ થતાં એસ.પી હર્ષદ મહેતા, કેશોદ ડીવાયએસપી બી.સી.ઠકકર, એલસીબી પી.આઈ.જે.જે.પટેલ, બાંટવા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોચ્યો હતો અને યાજ્ઞિાકભાઈ અને ધનરાજભાઈની પૂછપરછ કરી હતી. મોડીરાત્રે યાજ્ઞિાકભાઈની ફરિયાદના આધારે બાંટવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની એલસીબી પી.આઈ.ને તપાસ સોંપવામાં આવી હતી.

આજે એફ.એસ.એલ.અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામા આવી હતી પરંતુ ડોગ ઘટના સ્થળ આસપાસના 100 મીટર વિસ્તારમાં જ આંટા મારતો રહ્યો હતો. આ અંગે એલસીબી પી.આઈ.જે.જે.પટેલે જણાવ્યું હતું કે પોલીસની નવ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હજુ આરોપીઓ અંગેના કોઈ સગડ મળ્યા નથી આથી તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. બાંટવા પાજોદ રોડ પર વાહનોની અવરજવર ઓછી રહે છે ત્યારે આઠ રાત્રે આઠ વાગ્યા આસપાસ રોડ પર લૂંટની ઘટનાથી વિસ્તારમાં ચકચાર વ્યાપી છે.


Google NewsGoogle News