નારી તુ નારાયણી! પુરુષને ટક્કર આપતી મહિલાઓ, પતિ ગુમાવ્યા બાદ બાળકોને ઉછેરવા બસ ચલાવવાનું શીખ્યા
હવે મહિલાઓ મેટ્રો રેલવે ચલાવે છે, બીઆરટીએસની બસ ચલાવે છે, એમ્બ્યુલન્સમાં ઈમરજન્સી સેવા પૂરી પડે છે
વિશ્વમાં લિંગ સમાનતા, પ્રજનન અધિકારો અને મહિલાઓ સાથે થતી હિંસા અને દુર્વ્યવહાર પ્રત્યે જાગૃતતા લાવવા 8 માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્તમાન સમયમાં કેટલીય મહિલાઓ પોતાના પગ પર ઊભી થઇ અને સ્વાવલંબી બનતી જોવા મળે છે. જાહેર પરિવહન ક્ષેત્રની વાત કરવામાં આવે તો ડ્રાઇવર તરીકે પુરૂષોની જ છબી મગજમાં આવે છે.
દરેક ક્ષેત્રે પુરુષોને ટક્કર આપતી મહિલાઓ
પરંતુ હવેનો જમાનો એવો રહ્યો નથી અમદાવાદમાં અનેક મહિલાઓ જાહેર પરિવહનના વિવિધ વાહનો ચલાવી સમાજમાં એક નવું ચિત્ર ઉભું કર્યું છે. હવે મહિલાઓ મેટ્રો રેલવે ચલાવે છે, બીઆરટીએસની બસ ચલાવે છે, એમ્બ્યુલન્સમાં ઈમરજન્સી સેવા પૂરી પડે છે.
કામ કરતી મહિલાઓ અનુસાર અન્ય મહિલાઓ પણ આત્મનિર્ભર બને તેવી આશા
કામ કરતી મહિલાઓના જણાવ્યા અનુસાર, સમાજમાં હવે તેમને સમાન નજરથી જોવાઈ રહી છે અને તેમના કામની કદર થતી પણ જોવા મળે છે. લોકો ખૂબ સન્માનથી હવે તેમાના કોઈપણ કામને વધાવે છે. સહ કર્મચારીઓ, ઉપરી અધિકારીઓ તથા પોલીસ જ્યારે પણ તેમની સાથે ખડેપગે ઉભા રહે છે. તેમજ દરેક સ્વાવલંબી મહિલાઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે અન્ય મહિલાઓ પણ આત્મનિર્ભર બને અને પોતાના પગ પર ઊભી થાય.
પતિ ગુમાવ્યા બાદ બાળકોને ઉછેરવા બસ ચલાવવાનું શીખ્યા
જો અમદાવાદના જ એક કિસ્સા વિશે વાત કરવામાં આવે તો શહેરમાં દોડતી બીઆરટીએસ બસના ડ્રાઈવર એક મહિલા છે. જેમના લગ્નના ૧૫ વર્ષે પતિ ગુમાવનાર રેખા કહાર નિઃસહાય બની ગયા હતાં. બે બાળકોનો ઉછેર અને સમાજમાં સન્માનપૂર્વક જીવવા માટે તેમણે ડ્રાઇવિંગ શીખ્યું હતું. પાંચ વર્ષથી ખાનગી શાળાની બસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, કોરોનાના કારણે શાળાઓ બંધ થઈ હતી. રોજગારી બંધ થઈ જતાં ફરીથી સંઘર્ષ કરવો પડ્યો હતો. પછી તેમણે બીઆરટીએસમાં બસ ડ્રાઇવર તરીકે અરજી કરી અને તેઓની પસંદગી થઇ હતી.