Get The App

આજે વિશ્વ માતૃભાષા દિન : 'સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી'

વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્યને લોકો સુધી પહોંચાડી રહ્યા છે

કરાચીમાં રહેતા અબ્દુલ રહેમાન સૈયદે ચાર વર્ષ પહેલાં ગુજરાતી ભાષા બચાવવા શરૂઆત કરી હતી

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News

આજે વિશ્વ માતૃભાષા દિન : 'સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી' 1 - image
World Mother Language Day : કહેવાય છે કે, માતૃભાષા એટલે માતાની ભાષા. બાળકને તેની માતા પાસેથી જે ભાષા વારસામાં મળે છે, એ તેની માતૃભાષા છે. કોઈપણ વ્યક્તિને તેની માતૃભાષા માં જેટલી જ વહાલી હોય છે કારણ કે જ્યારે તે વતનથી દૂર જાય ત્યારે તેને પોતાની જો કોઈ પોતાની જ માતૃભાષા બોલતું વ્યક્તિ મળી જાય તો તે સ્નેહીજનથી ઓછું નથી લાગતું અને અજાણી ધરતી પણ કોઈ પોતીકાનો અહેસાસ થાય છે. આજે માતૃભાષા દિવસ છે અને કેટલાંય કવિઓ અને લેખકોએ આપણી માતૃભાષા વિશે લખ્યું જ છે ત્યારે ચાલો આજે આપણી માતૃભાષાનું સંવર્ધન કરતાં કેટલાંક લોકો વિશે જાણીએ.
આજે વિશ્વ માતૃભાષા દિન : 'સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી' 2 - image


સેન્ટ ઝેવિયર્સના વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્યનો અંગ્રેજીમાં અનુવાદ કરી લોકો સુધી પહોંચાડે છે
જના સમયમાં લગભગ બધી જ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસનું માધ્યમ અંગ્રેજી બની ગયું છે ત્યારે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થીઓએ અનોખી પહેલ કરી છે. ઝેવિયર્સ કોલેજમાં એમ.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ધારા ચૌહાણ, પંખી બ્રહ્મભટ્ટે, સચી ગોવાણી ગુજરાતી સાહિત્યની કેટલીક કૃતિઓના અંશને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યા છે જેથી જે લોકોને ગુજરાતી વાંચતા નથી આવડતું તેવા લોકો પણ ગુજરાતી સાહિત્યને વાંચી શકે અને જાણી શકે.

ભદ્રંભદ્ર પુસ્તકમાંથી કેટલાંક અંશો, પંખીએ જિજ્ઞોશ બ્રહ્મભટ્ટના પુસ્તકમાંથી અને સચીએ ધીરુબહેન પટેલની કૃતિનો અનુવાદ કર્યો
આ વિશે ધારા ચૌહાણે કહ્યું કે,'ગુજરાતી સાહિત્યમાં ઘણી સારી કૃતિઓ છે જેના અન્ય ભાષામાં અનુવાદ નથી થયા અને તેને લીધે જે લોકોને ગુજરાતી નથી આવડતું તે આ સાહિત્ય વાંચી કે જાણી નથી શકતા. અમારા કોર્સમાં ટ્રાન્સલેશન અને ક્રિએટિવ રાઈટિંગમાંથી કોઈ એક વિષય પસંદ કરવાનો હોય છે જેમાં અમે ટ્રાન્સલેશનની પસંદગી કરી છે અને હવે આ કાર્યને માત્ર સ્ટડી પૂરતું સીમિત ન રાખતાં અમે ગુજરાતી સાહિત્ય વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરીએ છીએ.અમે ગુજરાતીમાં લખાયેલી કેટલીક કૃતિઓને ઈંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી છે. મારી સાથે પંખી બ્રહ્મભટ્ટ અને સચી ગોવાણી પણ જોડાયેલી છે. અમે છેલ્લા છ મહિનાથી આ કાર્ય કરીએ છીએ. મેં ભદ્રંભદ્ર પુસ્તકમાંથી કેટલાંક અંશો, પંખીએ જિજ્ઞોશ બ્રહ્મભટ્ટના પુસ્તકમાંથી અને સચીએ ધીરુબહેન પટેલની કૃતિનો અનુવાદ કર્યો છે.'

આજે વિશ્વ માતૃભાષા દિન : 'સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી' 3 - image

'ગુજરાતી બચાવ તહેરીક' આંદોલનથી પાકિસ્તાનમાં 200થી વધુ બાળકો કડકડાટ 'ગુજરાતી' બોલતા થયા  
પાકિસ્તાનના કરાચી વિસ્તારમાં રાંચોર લાઈન નારાયણ   મિલર ટાવર પાસે રહેતા 65 વર્ષીય અબ્દુલ રહેમાન સૈયદે નવી પેઢીને ગુજરાતી ભાષા શીખવવાનું બીડું ઝડપ્યું છે અને અત્યાર સુધીમાં 200થી વધુ બાળકોને કડકડાટ ગુજરાતી બોલતા અને લખતા કર્યા છે. અબ્દુલ રહેમાન સૈયદ કહે છે કે, 1980માં ગુજરાતી ભાષા બોલાતી ઓછી થઇ હતી અને દરેક જગ્યાએ સાઇન બોર્ડ જોવા મળતા હતા તે પણ ઓછા થઇ ગયા હતા. એક દુકાનના આગળના ભાગે ગુજરાતી લખેલું બોર્ડ ઉતારી લીધું હતું જેથી ગુજરાતી ભાષાને બચાવવા અને નવી પેઢીને તેનું જ્ઞાન મળી રહે તે માટે નિર્ણય કર્યો હતો. મારી સાથે બીજા લોકોને જોડીને અમે 'ગુજરાતી બચાવ તહેરીક' આંદોલનની શરૂઆત કરી હતી. અમે અમારા વિસ્તારમાં રહેતા વિવિધ જ્ઞાતિના લોકોને ગુજરાતી ભાષા શીખવવાની શરૂઆત કરી હતી. હાલમાં ઘણા મકાનો, દુકાનો તેમજ બિલ્ડિંગ પર ગુજરાતીમાં લખાણ જોવા મળે છે. મારી સાથે બાબા હૈદર સહિતના લોકો આ કાર્યમાં જોડાયેલા છે. દર પંદર દિવસે 'ગુજરાતી બચાવ તહેરીક' આંદોલનના સભ્યોની મીટિંગ કરવામાં આવે છે અને તેમાં ગુજરાતી ભાષાને   કેવી રીતે બાળકોને શીખવી શકાય તે માટેનું મનોમંથન કરીએ છીએ. દર મહિને એક દિવસ ગુજરાતી   ભાષાને લઇને વર્કશોપ કરીએ છીએ જેથી નાના બાળકો પણ ઓછા સમયમાં ગુજરાતી ભાષા શીખી શકે છે.

મારા પિતા ભાવનગર અને માતા પાલનપુરના હતા
મારા પિતા ભાવનગર અને માતા પાલનપુરના હતા. 1956માં માતા-પિતા કાઠિયાવાડથી રાજસ્થાન, સિંધ અને પાકિસ્તાન કરાચીમાં આવ્યા હતા. મારો જન્મ 1985માં કરાચીમાં થયો હતો. પાકિસ્તાનમાં હું પરિવાર સાથે રહેતો હતો ત્યારે બધા ગુજરાતીમાં બોલતા હતા એટલે બાળપણથી હું ગુજરાતી ભાષા શીખ્યો હતો. મેં ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો હતો અને લોકો પણ ગુજરાતી ભાષા બોલતા હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં રહેતા સિંધી, કચ્છી, મેમણ, કાઠિયાવાડી, પારસી, પટણી અને આગાખાનના ઘણાં પરિવારોએ પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું હતું. - અબ્દુલ રહેમાન સૈયદ

ધર્મ અલગ છે પણ સંસ્કૃતિ એક
ગુજરાતી ભાષા નવી પેઢીને શીખવી શકાય તે માટે અમે 'ગુજરાતી બચાવ તહેરીક' આંદોલન શરૂ કર્યું. આંદોલનમાં ગુજરાતી બોલતા લોકો જોડાયા અને અમારા વિસ્તારમાં રહેતા દરેક જ્ઞાતિના લોકોના ઘરે જઇને ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજાવીએ છીએ અને નવી પેઢીના બાળકોને અમે ગુજરાતી ભાષા શીખવીએ છીએ. બે દેશો વચ્ચેનો ધર્મ અલગ છે પણ સંસ્કૃતિ એક છે તેમ હું માનું છું અને તેને લીધે છેલ્લાં ચાર વર્ષમાં 200થી વધુ બાળકોને ગુજરાતી ભાષા બોલતા કરવાનું કામ કર્યું છે.

કરાચીમાં 1990માં ગુજરાતી શાળા હતી, જે પછી ઉર્દૂ બની હાલમાં અહીં 15 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
કરાચીમાં 1990 દરમિયાન ગુજરાતી શાળા હતી અને તેમાં સારા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. ગુજરાતી ભાષા બોલનારા લોકોની સંખ્યા ઘટી ગઇ ત્યારે અમે તે શાળાના પ્રિન્સિપાલને મળ્યા ત્યારે તેમાં 15 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમ કહ્યું છે જેથી અમે આ બાળકોને વધુ સારી ગુજરાતી ભાષા શીખવીને તેમને પ્રોત્સાહિત કરવાનું કામ કરીએ છીએ. આવનારા સમયમાં વધુ બાળકો ગુજરાતી ભાષા શીખી શકે તે માટે અમે કાર્યરત બની રહ્યા છે.

આજે વિશ્વ માતૃભાષા દિન : 'સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી' 4 - image


Google NewsGoogle News