Get The App

ગુજરાતના સરહદી વિસ્તાર વાવમાંથી ઝડપાયું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર, 16ની ધરપકડ

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
ગુજરાતના સરહદી વિસ્તાર વાવમાંથી ઝડપાયું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર, 16ની ધરપકડ 1 - image


International Call Center : ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા અતિસંવેદનશીલ વિસ્તારના વાવ શહેરમાં છેલ્લા છ માસથી દીપાસરા વિસ્તારના મકાનમાં ચાલતા ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરની પ્રવૃતિનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભુજ રેન્જ આઈ.જી અને સાઇબર સેલની ટીમે સંયુક્ત રીતે ભાડાના મકાનમાં બેરોકટોક ચાલતા કોલ સેન્ટરના સ્થળે રેડ કરી હતી. આંતર રાજ્યોની 16 યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા. 

નોંધનીય છે કે, આ કોલ સેન્ટર માટે ભાડે આપેલું મકાન ભાજપના નેતાનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાવ શહેરમાં આવેલા દીપાસરા વિસ્તારમાં મકાન ભાડે રાખીને પરપ્રાંતિય શખ્સોએ અહીં ઈન્ટર નેશનલ કોલસેન્ટરની ગેરકાયદેસર પ્રવૃતિઓ શરૂ કરી હતી. ભારત અને પાકિસ્તાનની અતિ સંવેદનશીલ સરહદી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવી દેશની સુરક્ષાને દાવ પર લગાવી હતી. છેલ્લા છ એક માસથી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે ગુરૂવારે મધ્ય રાત્રીએ ભુજ રેન્જ આઈ.જી તેમજ સાઇબર સેલની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વાવમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તીના સ્થળે ઓચિંતી રેડ કરી હતી. 

જેમાં આ મકાનમાં કોલ સેન્ટરની પ્રવૃતિઓ આચરી રહેલા અન્ય રાજ્યોની 7 યુવતીઓ તેમજ 16 પરપ્રાંતિય શખ્સો પકડાઈ ગયા હતા. ઉલ્લેખપાત્ર છે કે, આતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા ઝડપાયેલા ભેજાબાજોની પુછપરછમાં તેમણે સોલાર પેનલનું કામ કરતાં હોવાના બહાના હેઠળ વાવના દીપાસરા વિસ્તારમાં મકાન ભાડે રાખ્યું હતું. ત્યારબાદ અહીં આ લોકો ગેરકાયદેર રીતે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હતા. તપાસમાં સ્થાનિક વાવ પોલીસની ટીમ પણ જોડાઈ હતી. 

અદ્યતન સુવિધાવાળું મકાન, સીસીટીવી કેમેરાથી સજ્જ તેમજ મકાન પર 5 ટાવર લગાવેલા હોવાથી આ કોલ સેન્ટર ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલું હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસની ટીમે કોલ સેન્ટરમાંથી 25 લેપટોપ, 30 મોબાઈલ, પ્રિન્ટર, ડેટા કેબલ, કેલ્યુલેટર, રાઉટર, કનેક્શન પોઈન્ટ, ટેબલેટ, રોકડ રકમ સહિત 8.39 લાખનો મુદ્દામાલ કબજે કરી સ્થળ પર લોકોની પૂછપરછ હાથ ધરી છે જોકે ફરાર અમદાવાદના મુખ્ય આરોપી એવા સ્વપ્નિલ ઉર્ફે સેમ પટેલને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 



Google NewsGoogle News