રત્નકલાકારની હત્યાના કેસના આરોપીની વચગાળાના જામીનની માંગ નકારાઈ
ધૂમ સ્ટાઇલે બાઇક ચલાવનાર વિમલ આહીર સહિતના આરોપીઓએ હોર્ન મારનાર જયમીન ચૌહાણ સાથે ઝઘડો કરી ચપ્પુથી હુમલો કર્યો હતો
સાસુની બીમારીની સારવાર માટે જામીન માંગ્યા હતા
સુરત
ધૂમ સ્ટાઇલે બાઇક ચલાવનાર વિમલ આહીર સહિતના આરોપીઓએ હોર્ન મારનાર જયમીન ચૌહાણ સાથે ઝઘડો કરી ચપ્પુથી હુમલો કર્યો હતો
ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવનાર ત્રણ યુવાન મોટરસાયકલ સવારને હોર્ન મારીને ખલેલ પહોંચાડનાર રત્ન કલાકાર યુવાનની હત્યાના ગુનાઈત કારસા બદલ જેલવાસ ભોગવતા આરોપીએ પોતાની સાસુની બિમારીના કારણોસર નાણાંકીય વ્યવસ્થા કરવા માટે 20 દિવસના વચગાળાના જામીનની માંગ કરતી અરજીને આજે એડીશ્નલ સેશન્સ જજ આર.કે.મોઢે નકારી કાઢી છે.
ગઈ તા.15મી ઓગષ્ટના રોજ વરાછા મારૃતિચોક પાસે જાહેર રોડ પર ધુમ સ્ટાઈલમાં બાઈક ચલાવનાર ત્રણ યુવાનોને હોર્ન મારીને ખલેલ પહોંચાડાતા ખોટું લાગતા ત્રીપલ સવારી પર ઘરે જઈ રહેલાં 29 વર્ષીય જયમીન ઉર્ફે કાળુ કાનજી ચૌહાણ(રે.તિરૃપતિ સોસાયટી,મારૃતિ ચોક વરાછા તેના પિતરાઈ દેવીન ચૌહાણ તથા મિત્ર નયન વાઘેલા સાથે આરોપીઓ ઝઘડો કર્યો હતો.જે દરમિયાન મરનાર જયમીને પોતાના સંબંધી પોલીસને ફોન કરતા ગુસ્સે ભરાયેલા ત્રણેય બાઈકર્સ યુવાનોએ એકબીજાના મેળાપિપણામાં જયમીન પર ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર ઈજાથી તેનું મોત નિપજ્યું હતુ.
આ કેસમાં વરાછા પોલીસે જેલભેગા કરેલા 27 વર્ષીય આરોપી વિમલ ધનજીભાઈ આહીરની પત્નીએ આરોપીના સાસુ કેન્સરના લાસ્ટ સ્ટેજ હોઈ બિમારીની સારવાર માટે જમાઈ તરીકે હાજર રહીને નાણાંકીય વ્યવસ્થા માટે 20દિવસના વચગાળાના જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી સંતોષ કે.ગોહીલે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.આરોપીના સાસુની બિમારીની સારવાર માટે નાણાંકીય વ્યવસ્થા કરવા તેના પરિવારના અન્ય સભ્યો પણ છે.હાલના આરોપી વિરુધ્ધ સાત જેટલા ગુના નોંધાયા હોઈ જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેવી સંભાવના છે.