ઉત્તમ આયુષ્યમાન યોજનાને નિષ્ફળ બનાવતી ઈન્સ્યોરન્સ કંપની, 6 મહિનાથી નાણાં નહીં ચૂકવતાં હોસ્પિટલોને હાલાકી
ગુજરાતની 400થી વધુ હોસ્પિટલોના ક્લેઈમ મંજૂર થયાના મહિનાઓ બાદ પણ કરોડો રૂપિયાના ચૂકવણાં બાકી
સરકારે વીમા કંપનીને તાકીદ કરીને પરિસ્થિતિ વણસતી રોકવા કહેવું જરૂરી છે
અમદાવાદ, શુક્રવાર
સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા નાગરિકને પણ દેશની શ્રેષ્ઠ હોસ્પિટલમાં સારવાર મળે તે હેતુથી આયુષ્યમાન યોજનાનો પ્રારંભ કરવામાં આવેલો છે. આ યોજનાનો ઉદ્દેશ ઉત્તમ છે પણ તેની અમલવારીમાં અવારનવાર કચાશ જોવા મળી રહી છે. આયુષ્યમાન યોજના સાથે સંકળાયેલી ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોને ઈન્સ્યોરન્સ કંપની દ્વારા નાણાં નહીં ચૂકવાયાનું સામે આવ્યું છે. જેના પગલે ગુજરાતની ચેરિટેબલ-પ્રાઇવેટ સહિતની 400 જેટલી હોસ્પિટલોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
યોજનાની અમલવારીમાં સમસ્યાઓ સામે આવી
ભારતના દરેક નાગરિકની સારવાર માટે PMJAY આયુષ્યમાન યોજના ચાલે છે. મોટાભાગની હોસ્પિટલોમાં આ સેવા ઉપલબ્ધ છે. પરંતુ છેલ્લા ઘણા વખતથી આ યોજનાની અમલવારીમાં સમસ્યાઓ સામે આવી રહી છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સૌપ્રથમ સમસ્યા આયુષ્યમાન કાર્ડ એક્ટિવ કાર્ડ હોતા નથી અને એક્ટિવ હોય હોય તો તે આયુષ્યમાન યોજનામાં પોર્ટલ પર ખૂલતા નથી. જેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
મોટી હોસ્પિટલોમાં પણ કરોડો રૂપિયાના ચૂકવણા બાકી
આયુષ્યમાન યોજનામાં દરેક બિમારી માટે ખર્ચ ચૂકવણીની એક ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. પરંતુ અમુક બિમારી તથા ઓપરેશનના ચાર્જ ખૂબ ઓછા રાખવામાં આવેલા હોવાથી ડોક્ટરો-હોસ્પિટલોને પણ સમસ્યા નડે છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ૬ મહિના અગાઉ ગુજરાત સરકારે આયુષ્યમાન યોજનામાં ઈન્સ્યોરન્સની કામગીરી ઓરિએન્ટલ પાસેથીથી લઇને બજાજ એલિયાન્ઝને સોંપી દીધી છે. આ ફેરફાર બાદ હોસ્પિટલોને દર્દીની સારવારના 6 મહિના બાદ પણ નાણા પરત મળી રહ્યા નથી.
જુલાઇ મહિનાથી કોઇ ચૂકવણી નહીં કરવામાં આવતાં એક ચેરિટેબલ હોસ્પિટલના રૂપિયા 17 લાખથી વધુના ચૂકવણાં બાકી છે. ક્લેઈમ મંજૂર થયાના 6 મહિના બાદ પણ પણ હોસ્પિટલોને ઈન્સ્યોરન્સ કંપની દ્વારા નાણા માટે ઠાગા ઠૈયા કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આ ચેરિટેબલ હોસ્પિટલને સ્ટાફને પગાર-લાઇટ બિલની ચૂકવણીમાં ભારે સમસ્યા નડી રહી છે. આ અંગે ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા ઈન્સ્યોરન્સ કંપની સમક્ષ રજૂઆત કરવામાં આવી તો એવો ઉત્તર મળ્યો કે, 'ઈન્સ્યોરન્સ કંપનીમાં ફેરફાર બાદ ટ્રાન્સફર પ્રક્રિયાને કારણે આ વિલંબ થઇ રહ્યો છે. 'હોસ્પિટલોમાં દર્દીની જટીલથી જટીલથી બિમારીની સારવાર થાય છે પણ ઈન્સ્યોરન્સ કંપનીને કારણે તેમને ક્લેઈમ સેટલમેન્ટની રકમ નહીં મળતાં ભારે સમસ્યા નડે છે. દર્દીઓ પાછળ ઈન્સ્યોરન્સ કંપનીની મંજૂરી પ્રમાણે જ ખર્ચ કરવામાં આવે છે. પરંતુ આ પૈસા પરત મળતાં ઓછામાં ઓછા 6 મહિના થઇ જાય છે. મોટી હોસ્પિટલોમાં પણ કરોડો રૂપિયાના ચૂકવણા બાકી હોવાનું સામે આવ્યું છે.
દર્દી તથા હોસ્પિટલોને સમસ્યા નડે નહીં માટે એ રીતે ક્લેઇમના નાણા ચૂકવવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ-સ્ટેટ હેલ્થ ઓથોરિટીને હોસ્પિટલો દ્વારા અનુરોધ કરાયો છે.
આયુષ્યમાન યોજના વીમા કંપનીના કારણે વગોવાય છે
નાનામાં નાના માનવીને ઉત્કૃષ્ટ આરોગ્ય સુવિધા મળે તે માટે સરકારે આયુષ્યમાન યોજના ઘડી છે. લાખો-કરોડો નાગરિકોને લાભ થયો છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આરોગ્ય સેવા આપનારી હોસ્પિટલોને વીમા કંપની ક્લેઇમની ચૂકવણી કરવામાં ઠાગાઠૈયાંને કારણે વગોવાઇ રહી છે. સરકારે વીમા કંપનીને તાકીદ કરીને પરિસ્થિતિ વણસતી રોકવા કહેવું જરૂરી છે. એમ ન થતાં યોજનાનો લાભ આપવામાં મહત્ત્વનું પરિબળ હોસ્પિટલોને વિમુખ થવા માંડશે, લોકોને સારવાર નહીં મળે.