અકસ્માતમાં પગ ગુમાવનારને વ્યાજ સાથે 26 લાખ ચૂકવવા વીમા કંપનીને આદેશ
ટ્રીબ્યુનલના કરતાં પણ વધારે વળતરની રકમ ચુકવવા હાઇકોર્ટનો હુકમ
ત્રણ વર્ષ પૂર્વે રતનાલ ગામે બસની રાહ જોતા વ્યક્તિને ટ્રક અડફેટે ઇજા થઈ હતી
રતનાલ ગામના રહેતા રણછોડ કાનજી આયર પોતાના સંબંધીઓ સાથે ગત ૧૪ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ રતનાલ ગામના ફાટક પાસે લકઝરી બસની રાહ જોતાં ઉભા હતા. ત્યારે એક ટ્રકના ચાલકે રણછોડભાઇ તેમજ તેમના સગા સંબંધીઓને હડફેટમાં લીધા હતા. જેમાં રણછોડભાઇને પગમાં ગંભીર ઇજા થતાં પગ કાપી નાખવામાં આવ્યો હતો. જે અંગે એક્સીડન્ટ ક્લેઇમ અંતર્ગત ટ્રીબ્યુનલ સમક્ષ વળતરની રકમ મેળવવા માટે ટ્રકના ડ્રાઇવર, માલિક તેમજ વીમા કંપની ધી ન્યુ ઈન્ડીયા એશ્યોરન્સ કંપની સામે વળતરની અરજી કરી હતી. અરજદારને થયેલી કાયમી ખોડ, અંગેના પુરાવા દલીલો ગુજરાત હાઇ કોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. ટ્રીબ્યુનલે અરજદારને રહેલ કાયમી ખોડ અને દલીલો ધ્યાને લઇને વળતરના ફક્ત ૩,૦૧,૯૦૦ વ્યાજ તેમજ ખર્ચ સહિત ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઇને અરજદારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વળતરની વધારે રકમ મેળવવા માટે અપીલ કરી હતી. હાઇકોર્ટે અરજદારને કાયમી ખોડ, અરજદારની આવક તેમજ ભવિષ્યની આવકની નુકશાનીની રકમ અંગે ગંભીરતા લઇને વધારાની વળતરની રકમ ૯,૮૯,૭૦૦ અરજી કર્યાની તારીખથી વ્યાજ તેમજ ખર્ચ સહિત ચુકવી આપવા વીમા કંપની સામે હુકમ કર્યો હતો. અરજદાર તરફે ભુજના એડવોકેટ રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર તથા હાદક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતા.